જૂનાગઢ, તા.11: જૂનાગઢના ધરારનગરમાં બે દિવસ પહેલાં પ્રેમિકા પર જીવલેણ હુમલો કરનાર પ્રેમી સામે હવે હત્યાનો ગુનો દાખલ થયો છે. ધરારનગરમાં રહેતી 20 વર્ષીય જ્યોતિ રમેશભાઇ પરમાર પર તેના પ્રેમી ભોલા ગાવિંદભાઇ સોલંકીએ દસ્તા જેવા બોથડ પદાર્થથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી જ્યોતિને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું છે. જૂનાગઢ પોલીસે અગાઉ હત્યાની કોશિશનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હતી, જે હવે હત્યાના કેસમાં ફેરવાયો છે.
પોલીસ
તપાસમાં સામે આવ્યું છે કે મૃતક જ્યોતિ અને આરોપી ભોલો છેલ્લા એક વર્ષથી લગ્ન વગર સાથે
રહેતા હતા. ગત તારીખ 8ના રોજ બન્ને સક્કરબાગ નજીક જ્યોતિના ભાઈ સાગરના ઘરે છાપરું બાંધવા
ગયા હતા. જ્યોતિએ સોપારી ન ખાવાની બાધા લીધી હોવા છતાં તેણે સોપારી ખાઈ લેતા ભોલો ઉશ્કેરાયો
હતો. આ સામાન્ય બાબતે બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ભાઈ સાગરે બંનેને સમજાવવાનો પ્રયાસ
કર્યો હોવા છતાં, ભોલાએ બોથડ પદાર્થ ફટકારી દીધો હતો.
મૃતક
જ્યોતિ બે ભાઈ અને બે બહેનોમાં સૌથી નાની હતી. તેણી નાનપણથી જ દશામાની ભુઈ (ધાર્મિક
આસ્થા સાથે જોડાયેલી) હોવાના કારણે, શરૂઆતમાં તેના પરિવારજનોએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ
કરાવવા માટે આનાકાની કરી હતી. જો કે, પોલીસ અને સ્થાનિકોની સમજાવટ બાદ પરિવારજનો માની
ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં
ભારે અરેરાટી અને શોકનો માહોલ વ્યાપી ગયો છે.