• શનિવાર, 13 જૂન, 2026

નિયત મુદત પછી વધારાના બે વર્ષ બાદ પણ રાજકોટ-જેતપુર હાઈવેનું કામ બાકી

            ચોમાસા પહેલા ટ્રાફિક મેનેજમેન્ટ, રોડ સેફ્ટીની કામગીરી નહીં થાય તો વાહનચાલકોને હાલાકી નિશ્ચિત

રાજકોટ, તા. 11: રાજકોટ-જેતપુર હાઈવે સિક્સ લેન કરવાની કામગીરી માટે તંત્રએ નિર્ધારીત કરેલી સમય મર્યાદા ઉપરાંત વધારાના બે વર્ષ પૂરા થઈ ગયા પછી પણ હજુ ઘણું કામ બાકી છે. ત્યારે આગામી ચોમાસા પહેલા ટ્રાફિક મેનેજમેન્ટ, રોડ સેફ્ટી સહિતની કામગીરી પૂરી નહીં થાય તો વાહનચાલકોને હાલાકી નિશ્ચિત છે.  હાઇવે પર અનેક સ્થળોએ ખાડા, ધૂળની સમસ્યા, વરસાદી પાણી ભરાવાની સ્થિતિ, અવ્યવસ્થિત  ડાયવર્ઝન, અધૂરા ડ્રેનેજ કામો તથા અન્ય તકનિકી ખામીઓ વાહનચાલકો માટે જોખમરૂપ બની રહી છે. ગયા વર્ષ દરમિયાન જ્યાં જ્યાં કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી.

ત્યારે તે તમામ સ્થળોની તાત્કાલિક ઓળખ કરી તેના કારણોનું તકનીકી મૂલ્યાંકન કરવામાં આવે અને ચોમાસા પૂર્વે અસરકારક ઉકેલ અમલમાં મૂકવામાં આવે. હાઇવે પર ચાલતી ઓવરબ્રિજ, અંડરપાસ તથા અન્ય બાંધકામની કામગીરીને કારણે વાહન વ્યવહાર જે સર્વિસ રોડ પરથી પસાર થાય છે તે તમામ સર્વિસ રોડનું લેવાલિંગ, મજબૂતીકરણ, ખાડા પુરવાની કામગીરી, પાણી નિકાલ વ્યવસ્થા તથા જરૂરી સમારકામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્તા રોહિતાસિંહ રાજપૂતે અને કોંગ્રેસના ડેલીગેશને આજે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ગઇંઅઈં)ના પ્રોજેક્ટ ડાયરેક્ટરને વિસ્તૃત રજૂઆત કરી હતી.

આ સાથે પ્રિ-મોન્સૂન કામગીરીમાં કોઈ પ્રકારની ઢીલાશ ન રહે તે માટે હાઇવેના અલગ-અલગ કિલોમીટર વિભાગો માટે ગઇંઅઈંના જવાબદાર અધિકારીઓની નિમણૂક કરી તેમની સીધી દેખરેખ હેઠળ કામગીરી પૂર્ણ કરાવવાની તેમજ કામગીરી માટે સ્પષ્ટ જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી છે.

બચતની વાતો વચ્ચે ટ્રાફિક જામને લીધે  રોજ હજારો લિટર ઈંધણનો બગાડ

સરકાર ઈંધણની બચત કરવા પગલાં લઈ રહી છે બીજી તરફ હાઈવે ઓથોરિટીની અણઘડ કામગીરીને કારણે હાઈવે પર ટ્રાફિકજામના કારણે દરરોજ હજારો લીટર ઇંધણનો બગાડ થાય છે, જેના કારણે વાહનચાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આવા સ્થળોએ ટ્રાફિક પોલીસ પોઈન્ટ ઉભા કરવાની માંગ કરાઈ છે.

હાઈવેનું 70 ટકા કામ પૂર્ણ

રાજકોટ-જેતપુર હાઈવે પર 70 ટકા કામ પુરું થયું છે. વધારાના ત્રણ-ચાર બ્રિજનું કામ પૂરું થવાને આરે છે. જે ટુંક સમયમાં શરૂ કરાશે. ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમ તૈનાત કરાશે. જરૂર પડે ત્યાં ક્રેન મુકાશે, પાણી ભરાય ત્યાં પમ્પિંગ દ્વારા તેનો નિકાલ કરાશે. કોરાટ ચોકડીએ વધારાનો સર્વિસ લેન બનાવવાની વિચારણા છે.

- ડો. ઓમપ્રકાશ, રાજકોટ કલેક્ટર

ઇ-પેપરના નવા શુલ્ક