ખતરનાક પદાર્થની સૂચના મળતા દોડધામ, ઈમારતના ઘણા હિસ્સા લોકડાઉન કરી તપાસ : ખોટા અલાર્મથી દોડધામ થયાની અટકળ
વોશિંગ્ટન,
તા. 11 : અમેરિકી રક્ષા વિભાગ પેંટાગનમાં ગુરુવારે
મોડી રાત્રે ઈમર્જન્સીના અહેવાલ સામે આવ્યા
હતા. પેંટાગનની આસપાસ ખતરનાક પદાર્થ હોવાની ભાળ મળતા જ ઈમારતને બંધ કરી દેવામાં આવી
હતી અને લોકોને પોતાના ઘરોમાં જ સુરક્ષિત રહેવા માટે આદેશ અપાયો હતો. આર્લિંગ્ટન કાઉન્ટી
ફાયરબ્રિગેડ અને રેસ્કયૂ અધિકારીઓએ કહ્યું હતું કે ખતરનાક પદાર્થની સૂચના મળતા જ પેંટાગનની
અમુક માળ અને કોરિડોર બંધ કરી દેવાયા હતા અને લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કવાયત
શરૂ કરવામાં આવી હતી.
પેંટાગન
પ્રવક્તા શોન પાર્નેલે કહ્યું હતું કે, ઈમારતની સિક્યોરિટી સિસ્ટમને ‘એર ક્વોલિટી’
સંબંધિત એક સમસ્યાની ભાળ મળી હતી. જેના પરિણામે લોકડાઉન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત
સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરાયા હતા, જેમાં પ્રભાવિત ક્ષેત્રના લોકોને સુરક્ષિત રહેવા
કહેવાયું હતું. સ્થાનિક મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યું હતું કે, પેંટાગનમાં ઈમર્જન્સી
દરમિયાન ખતરનાક
પદાર્થનો
સામનો કરનારી ટીમ પણ સામેલ હતી અને તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં એક-બે કલાક લાગ્યા
હતા. આ દરમિયાન પોલીસ કર્મચારી અને અન્ય ટીમોએ ગેસ માસ્ક અને કેમિકલથી બચાવનારા તમામ
સુરક્ષા ઉપકરણો સાથે રાખ્યા હતા. જો કે અન્ય એક અહેવાલમાં કહેવાયું હતું કે ખોટો અલાર્મ
વાગવાથી દોડધામ મચી હતી. જો કે ગંભીરતાને ધ્યાને લઈને પુરી સુરક્ષા તપાસ કરવામાં આવી
હતી.