• રવિવાર, 19 જુલાઈ, 2026

રવની ગામની કુખ્યાત ગેંગે વસાવેલી 2.96 કરોડની ગેરકાયદે અસ્ક્યામતો જપ્ત

જૂનાગઢ, તા.18 : વંથલી તાલુકાના રવની ગામની કુખ્યાત ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ વધુ એક કડક કાર્યવાહીના ભાગરૂપે તંત્રએ આ ગેંગે ગેરકાયદે વસાવેલી રૂ.2.96 કરોડની અસ્ક્યામતો જપ્ત કરતા ખળભળાટ મચી ગયો છે.

રવનીની કુખ્યાત ગેંગના સાત સભ્ય સામે પોલીસે 2024માં ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. આ કુખ્યાત ગેંગ દ્વારા પરિવારનાં નામે વસાવેલી ગેરકાયદે મિલકતો  ટાંચમાં લેવા તંત્રએ અગાઉ સરકારમાં દરખાસ્ત કરી હતી. ગૃહ વિભાગની મંજૂરી મળતા કેશોદના ઇન્ચાર્જ ડીવાય.એસ.પી હિતેષ ધાધલિયાની આગેવાની હેઠળ પોલીસ કાફલો આજે રવની ગામે પહોંચ્યો હતો. અહીં ગેંગના રહીમ ઉર્ફે ખુરી ઇસ્માઇલ સાધ, ઇમ્તિયાઝ ઉર્ફે પોલો ઇસ્માઇલ સાધ, હુસેન અલ્લારખા સાધ, ભાવિન ઉર્ફે કાનો મનસુખ પાડલિયા, અમીન ઇસ્માઇલ સાધ, હનીફ ઉર્ફે હનો ઇસ્માઇલ સાધ, બોદું અબુ પલેજાએ પોતાના પરિવારના નામે ગેરકાયદે વસાવેલી સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરવામાં આવી છે. તેમાં રૂ.2,37,51,300ની કિંમતની 123 વીઘા ખેતીની જમીન, રૂ.27.51 લાખની બેન્કમાં ફિક્સ ડિપોઝિટ તથા રૂ.31,45,867ની કિંમતના જેસીબી, બુલેટ સહિતના વાહનો કબજે કરી તંત્રએ રૂ.2,96,48,168ની મિલકતો ટાચમાં લઈ કાર્યવાહી કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક