• રવિવાર, 19 જુલાઈ, 2026

ઇડર ભાજપ ધારાસભ્ય રમણ વોરાની જમીન ‘શ્રી-સરકાર’ ખોટા ખેડૂત ખાતેદાર કેસમાં થઈ કાર્યવાહી

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.18 : ખોટા ખેડૂત ખાતેદાર બની જમીન હડપ કરવાના મામલે ઈડરના મામલતદાર પૂજા જોશીએ ઐતિહાસિક ચુકાદો આપતા ભાજપના ધારાસભ્ય રમણ વોરા સહિત તેમના પરિવારને મોટો ફટકો પડયો છે. દાવડ ગામની સીમમાં આવેલી તેમની જમીનને ‘શ્રી-સરકાર’માં ફેરવી દેવામાં આવી છે.

ધારાસભ્ય રમણ વોરા, પત્ની કુસુમ વોરા, પુત્ર સુહાગ વોરા અને ભૂષણ વોરા ખેડૂત ખાતેદાર ન હોવા છતાં ખોટા દસ્તાવેજો આધારે ખેડૂત તરીકે નામ દાખલ કરાવ્યું હતું. જૂના સર્વે નંબર-792 (નવા સર્વે નંબર-548)ની જમીનને સરકારી મિલકતમાં ફેરવવામાં આવી છે. ફરિયાદીએ લેખિત રજૂઆત કરીને આક્ષેપ કર્યો હતો કે, ઈડર તાલુકાના દાવડ ગામની સીમમાં આવેલી જમીનોમાં ધારાસભ્ય રમણ વોરા સહિત અન્ય બિનખેડૂતોને ખોટી રીતે ખેડૂત ખાતેદાર તરીકે દાખલ કરવામાં આવ્યા છે. અરજદારે ગણોતધારા હેઠળ કાર્યવાહીની માગ કરતા કલેક્ટર કચેરીએ ઈડરના નાયબ કલેક્ટરને તપાસ કરી અહેવાલ આપવા માગણી કરી હતી. ત્યારબાદ મામલતદાર કચેરીમાં તપાસ શરૂ થઈ હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન ધારાસભ્ય રમણ વોરા સહિત તેમના પરિવારજનો સતત ગેરહાજર રહ્યા હતા. મુદતો પતી જવા છતાં તેઓ હાજર ન થતા મામલતદાર પૂજા જોશીએ ઉપલબ્ધ દસ્તાવેજો, રજૂઆતો અને લાગુ કાયદાકીય જોગવાઈઓના આધારે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કાર્યવાહીથી ધારાસભ્ય રમણ વોરા માટે મુશ્કેલીઓ વધી શકે તેમ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક