• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

જૂનાગઢ : વ્યાજખોરે વ્યાજ પેટે 7.90 લાખ લીધા બાદ વધુ 14 લાખની કરી માગણી

જૂનાગઢ, તા.31: કેશોદ તાલુકાના માણેકવાડાના એક યુવાનને પૈસાની જરૂરિયાત પડતા જૂનાગઢના એક શખસ પાસે દાગીના ગીરવે મૂકી રૂ.6.50 લાખ વ્યાજે લીધા હતા. તેના વ્યાજ પેટે રૂ.7.90 લાખ ચૂકવ્યા બાદ વ્યાજખોરે વધુ રૂપિયાની માગણી કરી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. માણેકવાડા ગામે રહેતા ભરત રામભાઈ સોનારા નામના યુવાને જૂનાગઢના શૈલેષ દોશી પાસે પોતાના 22 તોલા દાગીના ગિરવે મુકેલા અને રૂ.6.5 લાખ વ્યાજે લીધા હતા. તેનુ અત્યાર સુધીમાં 7.90 લાખ વ્યાજ ચૂકવેલુ હોવા છતા વ્યાજખોરે રૂ.14 લાખની માગણી કરી ધમકી આપતા ભરતભાઈ સોનારાએ જૂનાગઢ એ.ડિવિઝન પોલીસમાં શૈલેષ દોશી સામે ફરિયાદ નોંધાવી છે. 

વંથલી નજીક કાર સાથે બાઈક અથડાતા ચાલકનું મૃત્યુ 

માણાવદર તાલુકાના દગડ ગામના રમેશ ભોજા ડવનો પુત્ર જય (ઉં.25) અને તેનો મિત્ર પાર્થ પોતાની બાઈક ઉપર દગડથી માણાવદર જઈ રહ્યા હતા. દરમિયાન આઇ.ટી.આઇ પાસે કારના ચાલકે એકાએક યુટર્ન લેતા પાછળ બાઈક અથડાતા ચાલક જયને માથામાં ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ થયું હતું. વંથલી પોલીસે મૃતકના પિતા રમેશ ભોજા ડવની ફરિયાદના આધારે કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અરણિયાળામાં આધેડે આર્થિક સંકડામણથી જીવન ટુંકાવ્યું 

મેંદરડા તાલુકાના અરણિયાળા ગામે રહેતા ખીમજી કમા વેગડા (ઉં.50) નામના આધેડએ આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવાના ટીકડા ખાઇ જિંદગીનો અંત આણી લેતા ગામમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. જ્યારે મેંદરડાના શારદાબેન દિપક કાનાણી (ઉં.57)ને પોતાની વાડીએ મગફળીમાં નિંદામણ કરતી વખતે સર્પે દંશ દેતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. 

 

ઇ-પેપરના નવા શુલ્ક