ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ પડયો તો અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જ રહ્યું
રાજકોટ,
તા.31 : રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ
જામ્યો છે. ભાવનગર, અમરેલી, કચ્છ, જામનગર, પોરબંદર, બોટાદ અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં
સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ વરસ્યો હતો.
વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાઓના વહીવટી તંત્રો દ્વારા ઇમર્જન્સી ઓપરેશન
સેન્ટર સક્રિય કરી દેવામાં આવ્યા છે.
ભાવનગર
: શહેર અને જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી જ વરસાદી માહોલ હતો. સવારે ભારે
વરસાદ શરૂ થયા બાદ બપોરે વરસાદની તીવ્રતા વધી હતી. પાલિતાણામાં સાંજ સુધીમાં અઢી ઇંચ
જેટલો વરસાદ ખાબકી ગયો હતો. સવારના છથી સાંજના છ દરમિયાન પાલિતાણામાં 59 મી.મી., ઘોઘામાં 44 મી., સિહોરમાં 26 મી.મી.,
જેસરમાં 23 મી.મી., ભાવનગર શહેરમાં 19 મી.મી., તળાજામાં 18 મી.મી., મહુવામાં 18 મી.મી.,
ગારિયાધારમાં 15 મી.મી., વલભીપુર અને ઉમરાળા તાલુકામાં 6-6 મી.મી. વરસાદ પડયો છે.
સાવરકુંડલા
: શહેર અને તાલુકામાં દિવસભર વરસાદી માહોલ રહ્યો હતો. સવારથી સમયાંતરે વરસાદ વરસતો
રહ્યો હતો અને દિવસ દરમિયાન શહેર તથા તાલુકાના વિવિધ વિસ્તારોમાં અંદાજે એક ઇંચ જેટલો
વરસાદ નોંધાયો છે.
જેસર
: જેસર તેમજ તાલુકાના ગામડાઓમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. અને બપોરના
ત્રણ વાગ્યા સુધી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બપોરના ત્રણ વાગ્યા પછી વરસાદે જાણે
સ્પીડ પકડી હોય તેમ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
ખારાઘોડા
: કચ્છનું નાનુ રણ વરસો પછી પહેલા વરસાદે ભરાઈ ગયું છે. બીજી તરફ સાંતલપુર તરફથી પણ
રણમાં વરસાદી પાણીની મોટા જથ્થામાં આવક થઈ છે. આગાહીને પગલે સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર
સાબદુ થયું છે. પ્રશાસન દ્વારા અગરિયાઓ અને માછીમારોને કચ્છના નાના રણમાં ન જવા તાકીદ
કરવામાં આવી છે. રણકાંઠાના ખારાઘોડામાં લાઉડસ્પીકર સાથે વાહન ફેરવી અને ખારાઘોડા ગ્રામ
પંચાયતે કોઈ પણ ઈસમને રણમાં ન જવાની સૂચના આપી હતી.
ઉપલેટા
: ધોરાજી નાયબ કલેક્ટર તરખાલાએ આજે ઉપલેટા તાલુકાના તમામ અધિકારીઓ સાથે એક ઇમર્જન્સી
મિટિંગ કરી તમામ વિભાગને પરિસ્થિતિને પોહોંચી વળવા એલર્ટ મોડમાં રહેવા સૂચના આપી હતી.
જામનગર
: મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા કોઈપણ આપાતકાલ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ
સાધનો તેમજ જવાનો સુસજ્જ જોવા મળ્યા હતા. જો શહેરમાં વધુ વરસાદ અથવા વાવાઝોડા જેવી
કોઈ પરિસ્થિતિ સર્જાય અથવા વરસાદમાં કોઈપણ જર્જરીત ઈમારતનો કાટમાળ ધસી પડે તો કોઈપણ
પરિસ્થિતિને પહોંચી વળવા ફાયર વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી
છે. આ ઉપરાંત એસડીઆરએફના 24 જવાનની એક ટીમ પણ તકેદારીના ભાગરૂપે સ્ટેન્ડ ટુ રાખવામાં
આવી છે.
પોરબંદર
: જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને
જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે બેઠક યોજાઈ હતી. તમામ
અધિકારીઓને સંભવિત ભારે વરસાદની સ્થિતિમાં સંપૂર્ણ સતર્કતા રાખવા તેમજ જરૂર જણાય તો
નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સમયસર અને સુરક્ષિત સ્થળાંતર કરવા સૂચના આપી હતી.
મોડાસા
: અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરવા માટે
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમને જરૂરી સાધનો, બોટ્સ, લાઇફ જેકેટ્સ અને આધુનિક
સંચાર સુવિધાઓ સાથે તૈનાત કરવામાં આવી છે. વહીવટી તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે
તેઓ સત્તાવાર આદેશોનું પાલન કરે અને કોઈપણ કટોકટીમાં 1077 પર સંપર્ક કરે. આજે મોડાસા
તાલુકામાં 1 ઇંચ, ધનસુરા તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે બાકીના તાલુકામાં
નહિવત રહ્યો હતો.
બોટાદ
: જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. નાયબ કલેક્ટર-2 જયરાજાસિંહ સોલંકીએ જિલ્લા
ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈ વરસાદી સ્થિતિ અને રાહત-બચાવની તૈયારીઓની સમીક્ષા
કરી હતી. તેમણે અધિકારીઓને સતત મોનિટારિંગ રાખવા અને જરૂર પડે ત્યારે તાત્કાલિક કાર્યવાહી
કરવા સૂચના આપી હતી. રેડ એલર્ટ વચ્ચે આજે જિલ્લામાં માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં
પડયા હતા. અને વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે.
નાગરિકોને પણ સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
ખાંભાના
રાયડી જળાશયનો દરવાજો ખોલાયો, નદીકાંઠાના ગામોને એલર્ટ
ખાંભડા
ડેમનો દરવાજો ખોલી ઉતાવળી નદીમાં 600 ક્યુસેક પાણી છોડાયું
અમરેલી,
બોટાદ, તા.31 : અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ પાસે આવેલી રાયડી સિંચાઈ
યોજનાના જળાશયમાં પાણીની આવક વધતા એક દરવાજો ખોલવામાં આવ્યો છે. જળાશયનું રૂલ લેવલ
જાળવવા માટે 31 જુલાઈના રોજ સવારે દરવાજો 0.075 મીટર ખોલી આશરે 196 ક્યુસેક પાણી રાયડી
નદીમાં છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધવાની
શક્યતા હોવાથી તંત્ર દ્વારા લોકોને નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા
સૂચના આપવામાં આવી છે. ખાંભા તાલુકાના નાના બારમણ, મોટા બારમણ, રાજુલાના ચોતરા તેમજ
જાફરાબાદ તાલુકાના મીઠાપુર અને નાગેશ્રી ગામના લોકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં
આવી છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આવી
જ રીતે બોટાદ જિલ્લામાં વરસાદને કારણે ખાંભડા સિંચાઈ યોજનામાં પાણીની આવક સતત વધી રહી
છે. ડેમનું નિર્ધારિત લેવલ જાળવવા માટે શુક્રવારે સાંજે ખાંભડા ડેમનો એક દરવાજો 15
સેમી ખોલવામાં આવ્યો હતો. હાલ ડેમમાંથી 600 ક્યુસેક પાણી ઉતાવળી નદીમાં છોડવામાં આવી
રહ્યું છે. હવામાન વિભાગે મોડી રાત્રે ભારે વરસાદની આગાહી કરી હોવાથી ડેમમાં વધુ પાણીની
આવક થવાની શક્યતા છે. પરિસ્થિતિ વધુ ગંભીર બને તો વધુ દરવાજા ખોલવાની કાર્યવાહી કરવામાં
આવી શકે છે. જિલ્લા તંત્ર દ્વારા ખાંભડા, બેલા, કુંડલ, ટીંબલા, બરવાળા, ખમીદાણા સહિતના
ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. લોકોને નદીકાંઠા વિસ્તારમાં જવાનું
ટાળવા અને પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર ન થવા સૂચના આપવામાં આવી છે.
જાફરાબાદ
બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો બન્યો તોફાની
અરબ
સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર
હવે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે સ્પષ્ટ જોવા મળી રહી છે. જાફરાબાદ બંદર ખાતે મેરીટાઈમ
બોર્ડ વિભાગ દ્વારા 3 નંબરનું ચેતવણી સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે. દરિયામાં કરંટ વધતા
ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના કારણે માછીમારો અને દરિયાકાંઠાના લોકો માટે સાવચેતી
રાખવા સૂચના આપવામાં આવી છે.