• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

પૂરથી આસામ, ઓરિસ્સામાં આફત

આસામમાં મરણાંક વધીને 80, ઓરિસ્સાના 20 જિલ્લામાં સાત લાખ લોકો બેહાલ

નવી દિલ્હી, તા. 31 : આસામમાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. રાજ્યના 8 જિલ્લાઓમાં 2,12,441થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે, જ્યારે આ વર્ષે પૂરનાં કારણે મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (અજઉખઅ)ના અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી છે.

ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ, ધેમાજી અને નાગાંવ જિલ્લાઓમાં કુલ 2,12,441 લોકો પૂરની ઝપેટમાં છે. આ કુદરતી આપત્તિએ 21 મહેસૂલ મંડળો (રેવન્યૂ સર્કલ) અંતર્ગત 437 ગામોને પ્રભાવિત કર્યા છે, જ્યારે પૂરના પાણી ફરી વળવાથી 17,198.09 હેક્ટર જમીનમાં ઊભેલો પાક બગડી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન શિવસાગર જિલ્લામાં વધુ 2 લોકોનાં મોત નીપજ્યાં છે, જેના કારણે આ સિઝનમાં રાજ્યમાં પૂરના લીધે મૃત્યુ પામનારાઓનો કુલ આંકડો 80 પર પહોંચી  ગયો છે.

પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. વિસ્થાપિત થયેલા પરિવારોને આશરો આપવા માટે કુલ 21 સ્થળોએ રાહત શિબિરો શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસન દ્વારા પ્રભાવિત નાગરિકોને ભોજન, શુદ્ધ પીવાનું પાણી અને અન્ય જરૂરી રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી  રહી છે. 

દરમિયાન, આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણે ગુરુવારે રાત્રે એક સાર્વજનિક એડવાઈઝરી જાહેર કરીને નાગરિકોને ધનસિરી (દક્ષિણ) નદીથી દૂર રહેવાની સખત ભલામણ કરી છે. કારણ કે ગોલાઘાટ જિલ્લાના નુમાલીગઢ પાસે આ નદીનું જલસ્તર સતત વધી રહ્યું છે. રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પૂરની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

ઓરિસ્સામાં મહાનદી અને તેની પ્રમુખ શાખા નદી કાઠજોડીમાં પાણીની સતત આવકના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. મુંડલી અને નરાજ પાસે પૂરનાં પાણી ટૂંક સમયમાં જ ભયજનક સપાટી વટાવી જાય તેવી આશંકા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, મુંડલીમાં 8.80 લાખ ક્યુસેક પાણી વહી રહ્યું હતું અને જળસ્તર ભયજનક સપાટીથી માત્ર દોઢ ફૂટ જ નીચે હતું, જ્યારે નરાજમાં 4.34 લાખ ક્યુસેક અને જોબરા એનિકેટ પરથી 3.97 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.  20 જિલ્લાના 7 લાખથી વધુ લોકો પ્રભાવિત, 100 બ્લોકમાં આવેલા 1,458 ગામો પૂરની ચપેટમાં આવ્યાં છે. સરકારી આંકડા મુજબ, પૂરના કારણે અત્યાર સુધીમાં 3 લોકોનાં મોત થયાં છે અને 1,310 પશુઓનાં મૃત્યુ નોંધાયાં છે. ભદ્રક જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં 4.11 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે. આ ઉપરાંત જાજપુર અને બાલેશ્વર જિલ્લામાં પણ લાખો લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક