પોલીસે રૂ.7.60 લાખની કિંમતના ચાંદીના ચોસલા સહિત કુલ રૂ.14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, 26 મંદિરમાં ચોરીની કબૂલાત
ભાવનગર,તા.2
: જિલ્લાના ઓદરકા ગામે આવેલા પ્રસિદ્ધ ધોળીયા હનુમાનજી મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઘોઘા
પોલીસે ઉકેલી લીધો છે. મંદિરો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી આંતરજિલ્લા ચોર ટોળકીને
ઝડપી પાડી પોલીસે રૂ.7.60 લાખની કિંમતના ચાંદીના ચોસલા સહિત કુલ રૂ.14 લાખથી વધુનો
મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ
તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ ભાવનગર અને અમરેલી જિલ્લાના વિવિધ મંદિરો તથા માતાજીના
મઢોમાં ચોરીઓ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ 26 જેટલા ધાર્મિક સ્થળોએથી ચાંદીના છત્તર,
દાગીના અને અન્ય ચાંદીની વસ્તુઓ ચોર્યાની કબૂલાત કરી છે. ઓદરકાના ધોળીયા હનુમાનજી મંદિરેથી
ચોરાયેલી ચાંદીની વસ્તુઓની ઓળખ ન થાય તે માટે આરોપીઓએ તેને ઓગાળી નાખી હતી અને ચાંદીના
ચોસલા બનાવી દીધા હતા. ઘોઘા પોલીસે સઘન તપાસ બાદ આ ઓગાળેલી ચાંદી શોધી કાઢી કાયદેસર
કબજે કરી છે.
પોલીસે
ચાંદીના ચોસલા (વજન 3 કિલો 798.5 ગ્રામ), રૂ.5.20 લાખ રોકડ, એક મોટરસાયકલ, ચાર મોબાઇલ
ફોન તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા કટર અને આરી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ
કેસમાં મેહુલ ગણેશ મકવાણા, અશ્વિન અશોક મકવાણા, ભરત વજેરામ જાની (ત્રણે રહે. ભાંખલ,
તા. શિહોર) અને પ્રત્યક્ષ હસમુખ પાટડિયા (હાલ અમદાવાદ, મૂળ અંજાર)ની ધરપકડ કરવામાં
આવી છે. પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી વધુ ચોરીના ગુનાઓ અંગે તપાસ શરૂ કરી
છે.