બે મેચની ટેસ્ટ શ્રેણી પહેલા અંતિમ સમયે અભ્યાસ મેચનો એક દિવસ ઘટાડાયો
નવી
દિલ્હી, તા. 1 : ચાલુ મહિને શ્રીલંકા પ્રવાસે જનારી ભારતીય ક્રિકેટ ટીમના કાર્યક્રમમાં
અંતિમ સમયે : મહત્વનો બદલાવ થયો છે. પહેલા
ભારત શ્રીલંકાની સ્થાનિક ટીમ સામે ચાર દિવસનો અભ્યાસ મેચ રમવાની હતી પણ હવે આ મુકાબલાને
ત્રણ દિવસનો કરવામાં આવ્યો છે. અભ્યાસ મેચ
સાતમી ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. જો કે મેચની અવધિ એક દિવસ ઘટાડવામાં આવી છે. આ મુકાબલો
ભારતીય ખેલાડીઓ માટે ટેસ્ટ શ્રેણી પહેલા મેચની સ્થિતિમાં પોતાને પરખવાની એકમાત્ર તક
રહેશે. ભારતીય ટીમ માટે અભ્યાસ મેચ ખુબ જ મહત્વનો માનવામાં આવે છે. શ્રીલંકાની પિચ
પારંપરિક રીતે સ્પિન બોલરો માટે મદદરૂપ રહે છે. તેવામાં બેટરને લાંબી ઈનિંગ રમવા માટે
સ્પિન સામે ટેક્નીક પરખવાની તક મળશે. આ ઉપરાંત બોલરો પણ પોતાની યોજનાઓને અંતિમ રૂપ
આપી શકશે.ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીનો પહેલો મુકાબલો 15 ઓગસ્ટથી
19 ઓગસ્ટ સુધી ગોલના સ્ટેડિયમમાં રમાશે. ત્યાર બાદ બીજો અને અંતિમ ટેસ્ટ મુકાબલો
23થી 27 ઓગસ્ટના રોજ કોલંબોમાં રહેશે. આ ટેસ્ટ શ્રેણી ડબલ્યુટીસીનો પણ હિસ્સો છે. તેવામાં
બન્ને ટીમ માટે મેચ અને અંક મહત્વના બની રહેશે.