• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

ગારિયાધારમાં વૃદ્ધોને ટાર્ગેટ કરી સોનાના દાગીના લૂંટતી ગેંગ પકડાઈ

કાર અને દાગીના સહિત 3.62 લાખનો મુદ્દામાલ જપ્ત

ગારિયાધાર, તા.11: ગારિયાધારના પરવડી રોડ પર બાતમીના આધારે રામાપીરનું નામ લખેલી સફેદ રંગની સ્વિફ્ટ કારમાં વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરીને સોનાના દાગીના સ્નાચિંગ અને લૂંટ ચલાવતી કુખ્યાત ગેંગને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ગારિયાધાર તાલુકાના કરૌડી ખાતે ડોશીમાના કાનમાંથી સોનાની બુટ્ટીઓ કાઢી લેવાની તેમજ થોડા દિવસો અગાઉ રાજસ્થાન ખાતેથી પણ એક વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનુ સેરવી લીધાની કબુલાત આ કરી છે, જેથી પોલીસે કાર, સોનાના દાગીના અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3,62,000 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ લૂંટારુ ગેંગમાં સંડોવાયેલા આરોપીઓ સુનિલભાઈ મનસુખભાઈ ચુડાસમા, અશ્વિનભાઈ બાબુભાઈ સોલંકી, મનસુખભાઈ નાનજીભાઈ ચુડાસમા, ઇશ્વરભાઇ રમેશભાઈ વણોદિયા અને અનુબેન અશ્વિનભાઈ સોલંકીને ઝડપી લેવામાં આવ્યા છે, જેમની પૂછપરછમાં અમદાવાદ, અમરેલી, રાજુલા, ગાંધીનગર અને પાટણ સહિતના શહેરોમાં સુનિલ સામે ચાર, અશ્વિન સામે ત્રણ અને મનસુખભાઈ સામે છ જેટલા અગાઉના ગુનાઓની કબુલાત સામે આવી છે, જ્યારે આ દરોડા અને પકડાયેલી ગેંગને ઝડપી પાડવાની કામગીરીમાં એલસીબીના જયદાનભાઈ લાંગાવદરા, જગદીશભાઈ સાંગા, ફાલ્ગુનાસિંહ ગોહિલ, શૈલેષભાઈ ચાવડા, રાજુભાઈ વાઘેલા, નિલેશભાઈ જોશી, મહેન્દ્રાસિંહ જાડેજા અને પ્રગ્નેશભાઈ પંડ્યા જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક