• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

સુરેન્દ્રનગર: હાઇવે પર કારના કાચ તોડી ચોરી કરતી આંતરરાજ્ય ‘કાંજર ગેંગ’ ઝડપાઈ

ત્રણ શખસ પોલીસના સકંજામાં , રૂ.5.90 લાખનો મુદ્દામાલ કબજે

વઢવાણ, તા.10: લીંબડી-જાખણ ગામના પાટિયા પાસેથી હાઇવે પર હોટલના પાર્કિંગમાં ઊભેલી કારના કાચ તોડી તેમજ ટ્રાવેલ્સ બસમાંથી બેગ ઉઠાવતી આંતરરાજ્ય કાંજર ગેંગના ત્રણ શખસને સુરેન્દ્રનગર ક્રાઈમ બ્રાન્ચને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન રૂ.29,500 રોકડા, રૂ.5 લાખની વેન્યુ કાર, ચાર મોબાઇલ ફોન, સિમકાર્ડ, આઇડી કાર્ડ અને ચોરીના સાધનો મળીને કુલ રૂ.5,90,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગેંગના પડાવા અને પૂછપરછથી વઢવાણ, લીંબડી અને બગોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ સહિત અગાઉ આચરવામાં આવેલી અનેક ચોરીઓનો ભેદ ઉકેલાયો છે.

    ઝડપાયેલા આ ત્રણેય આરોપીની ઓળખ અરબાજખાન ગુલજારખાન ગનીખાન મુલતાની (રહે. ખેરવા ભીમાનપુરા, તા. મનાવર, જી. ધાર, મધ્યપ્રદેશ), અલ્લારખા હસનખાન ઘીસેખાન શાહ (રહે. ખલઘાટ, તા. ધારમપુરી, જી. ધાર, મધ્યપ્રદેશ) અને સદામ ગફુરખાન ખાન (રહે. ખેરવા, તા. મનાવર, જી. ધાર, મધ્યપ્રદેશ) તરીકે કરવામાં આવી છે. આ આરોપીઓ હાઇવે પરની હોટલોમાં રેકી કરી કારના કાચ તોડવા તેમજ મુસાફરો રિફ્રેશમેન્ટ માટે ઉતરે ત્યારે ટ્રાવેલ્સ બસોમાંથી થેલા ઉઠાવવાની મોડસ ઓપરેન્ડી અપનાવતા હતા અને પોલીસથી બચવા નંબર પ્લેટ બદલી નાખવા સાથે મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ રાખતા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક