• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

જૂનાગઢના કારખાનેદાર સાથે જીપીસીબી-મીડિયાનાં નામે તોડ કરવાનો કારસો

“તમે પોલ્યુશન કરો છો, અઢી લાખનો દંડ થશે’’ કહી ડરાવ્યા : કારખાનેદારોની પગલાં લેવા પોલીસ સમક્ષ માગ

જૂનાગઢ, તા.12 : જૂનાગઢના ઉદ્યોગનગર-2માં ગઈકાલે કારમાં આવેલા ચાર શખસે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને મીડિયાનાં નામે ઉદ્યોગકારને ધમકાવી નાણાં પડાવવાનો પ્રયાસ કર્યાની ફેક્ટરી ઓનર્સ એસોસિયેશને તાલુકા પોલીસમાં લેખિત ફરિયાદ કરી પગલાં ભરવા માગણી કરી છે. 

ઉદ્યોગનગર-2માં આવેલા આશિષભાઈ વઘાસિયાના પ્લાસ્ટિકનાં કારખાનામાં કાર નં.જીજે 04 ડી.ઇ. 6813માં આવી કારખાનાના સંચાલકને તમે પોલ્યુશન કરો છો, અઢી લાખનો દંડ થશે અને તમારું યુનિટ સીલ કરવું પડશે. તેમ કહી પોતાની જીપીસીબીના અધિકારીની ઓળખાણ આપી વેપારીને ભયભિત કરવામાં આવ્યા હતા. કારખાનેદાર આશિષ વઘાસિયાએ ફેક્ટરી ઓનર્સ એસો.ના પ્રમુખ પરેશ ચોવટિયાને જાણ કરતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તોડબાજ ટોળકીની પૂછપરછ કરતા પ્રથમ તેઓએ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની ઓળખ આપી, બાદમાં મીડિયાના માણસો હોવાનું જણાવ્યું હતું. આ ટોળકી તોડબાજ હોવાની ગંધ આવતા તેમણે પોલીસને બોલાવવાની ચિમકી આપતા ત્યાંથી નાસી ગયા હતા. બાદમાં આજે ઉદ્યોગકારોએ તાલુકા પોલીસમાં એક લેખિત ફરિયાદ આપી આ ટોળકી સામે કાનૂની કાર્યવાહી કરવા માગણી કરી છે. આ ટોળકી દ્વારા અગાઉ પાંચેક વખત ઉદ્યોગકારો પાસેથી રૂ.10થી 50,000 સુધીનો તોડ કર્યાનું પ્રમુખે જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક