કેશોદના
ડો.રાજેશ સાંગાણીના મિસકન્ડકટ સામે કોર્ટ આકરા પાણીએ : કેદીને તપાસ્યા વિના સર્ટિફિકેટ
આપ્યાના આક્ષેપમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલને કાર્યવાહી કરવાનો આદેશ
વેરવાળ
તા.12 : વેરાવળ જેલમાં રહેલા હત્યા જેવા ગંભીર ગુનાના આરોપીને સારવારના નામે વચગાળાના
જામીન આપવાના પ્રયાસમાં મેડિકલ સર્ટિફિકેટનો ઉપયોગ થયો હોવાની ચોંકાવનારી વિગતો વેરાવળની
એડી. સેશન્સ કોર્ટના હુકમમાં સામે આવી છે. કેશોદના ફિઝિશિયન- કાર્ડિયોલોજિસ્ટ ડો.રાજેશ
સાંગાણી દ્વારા કેદીને તપાસ્યા વિના મેડિકલ સર્ટિફિકેટ અપાયું હોવાના કોર્ટના અવલોકન
બાદ હવે ગુજરાત મેડિકલ કાઉન્સિલને તબીબ સામે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે.
જિલ્લા
સરકારી વકીલ કેતનાસિંહ વાળાએ જણાવ્યું કે, વેરાવળમાં હત્યાના આરોપી ફારૂક મૌલાના નામના
આરોપીએ બીમારીના આધારે 15 દિવસના વચગાળાના જામીનની માંગણી કરી હતી. આ અરજી સાથે ડો.રાજેશ
સાંગાણીના તા.3 જૂન અને 19 જૂન 2026ના મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં
કોર્ટના અવલોકન મુજબ ડો.સાંગાણીએ આરોપીને અગાઉ તા.1 ઓક્ટોબર 2025 સુધી સારવાર આપી હતી.
ત્યારબાદ જૂન 2026માં સર્ટિફિકેટ આપતી વખતે આરોપીની તબીબી તપાસ કરવામાં આવી ન હોવાનું
સામે આવ્યું હતું. તો બીજી તરફ જેલના મેડિકલ રેકોર્ડમાં તા.2 અને 4 જૂને આરોપીને જેલના
ફિઝિશિયન દ્વારા સારવાર અપાઈ હોવાનું નોંધાયેલું અને તા.4 જૂને છાતીમાં દુખાવાની ફરિયાદ
થતાં ઈસીજી પણ કરાયું હતું. જો કે ત્યારબાદ આરોપીએ જેલના દવાખાનામાં કોઈ તકલીફ અંગે
સારવાર લીધી ન હતી અને જેલના ફિઝિશિયન દ્વારા બહારના સ્પેશિયાલિસ્ટ પાસે રિફર કરવાની
પણ સલાહ આપવામાં આવી નહોતી. તેમ
છતાં તા.19 જૂને બહારના તબીબ દ્વારા ટ્રીટમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
કોર્ટએ
નોંધ્યું હતું કે આવા સર્ટિફિકેટના આધારે આરોપીને વચગાળાના જામીન મળી શકે અને ત્યારબાદ
હોસ્પિટલમાં દાખલ કરીને સારવારના નામે જેલની બહાર રહેવાની સુવિધા મળી શકે તેવો પ્રયાસ
જણાય છે.
કોર્ટએ
ડો. રાજેશ સાંગાણીનું કૃત્ય મેડિકલ પ્રોફેશનલ કન્ડક્ટના નિયમો હેઠળ મિસકન્ડકટ ગણાવી
ગુજરાત મેડિકલ કાઉન્સિલને કાર્યવાહી કરવા હુકમ કર્યો છે. સંબંધિત મેડિકલ સર્ટિફિકેટ,
ડોક્ટરનો ખુલાસો તેમજ જેલ અને મેડિકલ ઓફિસરના રિપોર્ટ સહિતના દસ્તાવેજો કાઉન્સિલને
મોકલવામાં આવશે અને કાર્યવાહીનો અહેવાલ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.