રાજયની
મેડિકલ કોલેજોમાં બીજા સ્થાને રહી
જામનગર,
તા.12: જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક
દ્વારા જાહેર કરવામાં આવેલા રેન્કિગમાં દેશમાં 47 મો અને રાજ્યમાં બીજો ક્રમ મળ્યો
છે. આમ જામનગર માટે આ બાબત ગૌરવ પૂર્ણ કહી શકાય.
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક નામની
થર્ડ પાર્ટી સંસ્થા દ્વારા દેશભરની મેડીકલ કોલેજોમાં મૂલ્યાંકન કરવામાં આવે છે અને ત્યાર પછી રેન્ક આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા
પોતાના જુદા જુદા સોર્સ મારફત મેડિકલ કોલેજોની માહિતી એકત્ર કરવામાં આવે છે. જેમાં
ફેકલ્ટીની ગુણવત્તા સાધન સામગ્રી , રિસર્ચ ,સહિતના માપદંડ ધ્યાનમાં રાખવામાં આવે છે
અને તેના આધારે રેન્કિંગ આપવામાં આવે છે. તાજેતરમાં કરાયેલા સર્વે પછી આઈ.આઈ.આર.એફ.
નામની આ સંસ્થાએ દેશભરની મેડિકલ કોલેજો માટેના રેન્ક જાહેર કર્યા છે. જેમાં જામનગરની
એમ.પી. શાહ મેડિકલ કોલેજને દેશમાં 47મો અને રાજ્યમાં બીજો ક્રમ મળ્યો છે. તેમ જામનગરની
એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈએ જણાવ્યું છે. આ કોલેજને 1000માંથી
890થી વધુ માર્ક મળ્યા છે. જ્યારે પ્રથમ નંબર વડોદરાની મેડિકલ કોલેજને મળ્યો છે. આમ દેશની ટોપ 50 કોલેજમાં જામનગરની એમ .પી. શાહ
મેડિકલ કોલેજે સ્થાન મેળવીને ગૌરવ વધાર્યું છે.