• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

ઈમરાનનું જેલમાં મૃત્યુ ? પાક. પત્રકારનો ચોંકાવતો દાવો

-‘જેલમાં ઈમરાનનું મૃત્યુ થઈ ગયું હોવાથી જ કોઈને મળવા દેવાતા નથી’

ઈસ્લામાબાદ, તા.12 : પાકિસ્તાનમાં એક વરિષ્ઠ પત્રકાર વજાહત એસ.ખાને ખળભળાટ મચાવતો ચોંકાવનારો દાવો કરતાં કહ્યું હતું કે, જેલમાં કેદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું મૃત્યુ થઈ ગયું છે. તેમણે પાક. સરકાર અને સેનાનાં સૂત્રોનાં હવાલેથી આવો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, જેલમાં ઈમરાનનું મોત થઈ ગયું હોવાનાં કારણે જ તેમને મળવા દેવાતા નથી.

ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાનની હાલત કે સ્થિતિ શું છે તે વિશે પાક. સરકાર તરફથી હજી સુધી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા 73 વર્ષીય ઈમરાન ખાન સામે અનેક કેસ ચાલે છે. તે 2023થી પાક.ની અદિયાલા જેલમાં કેદ છે. ઈમરાનનાં પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ(પીટીઆઈ) દ્વારા વારંવાર આરોપ મૂકવામાં આવે છે કે, ઈમરાનને તેમનાં પરિવાર કે પક્ષનાં કોઈપણ સદસ્ય સાથે મળવા દેવાતા નથી. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોવા છતાં તેમને યોગ્ય ઈલાજ પણ આપવામાં આવતો નથી.

મંગળવારે પીટીઆઈએ ઈમરાનની તબિયત અને તેમની સામેનાં કેસ ચલાવવામાં વિલંબ મુદ્દે સુપ્રીમ કોર્ટ બહાર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. અદાલત દ્વારા તેમને ભરોસો આપવામાં આવ્યો હતો કે, આગામી સપ્તાહે ઈમરાન સામેનાં કેસોની સુનાવણી નિર્ધારિત કરી લેવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક