(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.12: આનંદનગરમાં કચ્છી છાત્રા પરના દુષ્કર્મ કેસનો આરોપી ધર્મવીરાસિંહ રાઠોડને આજે
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેની પૂછપરછ
માટે પાંચ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જો કે કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર
કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલવા હુકમ કર્યો હતો.
આનંદનગર
પોલીસે આરોપીના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મેળવવા માટે કોર્ટ સમક્ષ 5 મુખ્ય મુદ્દાઓ
રજૂ કર્યા હતા. બળાત્કાર જેવા ગંભીર ગુના પાછળ અગાઉથી કોઈ કાવતરું ઘડાયું હતું કે કેમ
? ગંભીર ગુનો આચરી ભાગવામાં તેને કોઈ વ્યક્તિ તરફથી આર્થિક કે અન્ય મદદ મળી હતી કે
કેમ ? આરોપીના મોબાઈલ ફોનના કોલ ડિટેલ રેકોર્ડ અને એસડીઆર એનાલિસિસ માટે કસ્ટડી જરૂરી
હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ગુનામાં અન્ય કોઈ આરોપી સાથે હતો કે કેમ તે ચકાસવું જરૂરી
છે. બનાવની ગંભીરતા જોતાં આરોપીની ભૌતિક હાજરી જરૂરી હોવાની પોલીસ તરફથી દલીલ કરાઈ
હતી. આરોપી દુષ્કર્મ બાદ પીડિતાનો મોબાઈલ ઝૂંટવીને ભાગ્યો હોવાથી કોર્ટે જાનથી મારી
નાંખવાની ધમકી સાથે સાથે લૂંટની બીએનએસની કલમ 308 (5) હેઠળ ગુનો નોંધવા પોલીસે અરજી
કરી હતી જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીના
રિમાન્ડ નામંજૂર કરી તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.