કેશોદ તા.21: કેશોદના બામણાસા ઘેડ ગામે જૂની અદાવતમાં 62 વર્ષીય વૃદ્ધ પર થયેલા જીવલેણ હુમલાની ઘટનામાં મોટો વળાંક આવ્યો છે. જોનપુર ગામની વીડી વિસ્તારમાં રીક્ષા આંતરી દેવાયતભાઈ મંગાભાઈ માકડીયા પર લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા દેવાયતભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, દેવાયતભાઈ
કોર્ટની તારીખમાં હાજરી આપી રીક્ષા મારફતે બામણાસા ઘેડ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન
બામણાસા ગામના જ આર્મીમેન ઇન્દ્રેશ અરજણભાઈ વડીયાતરે બાઈક આડું રાખી રીક્ષા રોકાવી
હતી. ત્યારબાદ જૂની અદાવતના કારણે તેમના પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે. ગંભીર ઈજાઓ થતાં દેવાયતભાઈને પ્રથમ કેશોદ, ત્યારબાદ
જુનાગઢની સરકારી હોસ્પિટલના આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે રાજકોટ
અને બાદમાં અમદાવાદ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના
પુત્ર લલીતભાઈની ફરિયાદના આધારે કેશોદ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો
નોંધ્યો હતો. પોલીસે આરોપી ઇન્દ્રેશ વડીયાતરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં તેને જુનાગઢ
જેલ હવાલે કરવામાં આવ્યો હતો. હવે મૃત્યુ થતાં પોલીસે હત્યાની કલમ ઉમેરવા કોર્ટમાં
અરજી કરવાની કાર્યવાહી શરૂ કરી છે. બનાવથી બામણાસા ઘેડમાં શોકનો માહોલ છવાયો છે.