‘આર્ટિકલ-370’ની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે તેમજ ‘બહ્મયુગમ’ ફિલ્મ માટે મમ્મૂટી અને ‘ચંદુ ચેમ્પિયન’ માટે ‘કાર્તિક આર્યન’ની શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદગી
અમદાવાદ
તા.21 : ગુજરાતના એકતાનગર ખાતે આવતીકાલે તા.22ને મંગળવારના રોજ યોજવા જઈ રહેલા 72માં
રાષ્ટ્રીય પુરસ્કારના ભવ્ય આયોજનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાતમાં પ્રથમ
વખત રાષ્ટ્રીય સ્તરના આ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે રાજ્ય
માટે ગૌરવની બાબત છે. અગાઉ આ પ્રકારનો સમારોહ દિલ્હી બહાર ચેન્નાઈમાં યોજાયો હતો, જ્યારે
હવે ગુજરાતના કેવડિયાને આ મહત્વપૂર્ણ આયોજન માટે પસંદ કરવામાં આવ્યું છે.
આવતીકાલે
દેશભરમાંથી ફિલ્મ જગત સાથે સંકળાયેલા કલાકારો, સર્જકો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ વર્ષ 2024 માટે ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓને
બિરદાવતા આ પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રદાન કરશે.
રાષ્ટ્રીય
ફિલ્મ પુરસ્કારો એ ભારતીય સિનેમા માટેના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંના એક છે. 1954માં
સ્થપાયેલા, આ પુરસ્કારો ભાષાઓ, પ્રદેશો અને ફિલ્મ નિર્માણના સ્વરૂપોની વિશાળ શ્રેણીને
આવરી લેતા ફીચર ફિલ્મો, નોન-ફીચર ફિલ્મો અને સિનેમા પરના લેખનમાં ઉત્કૃષ્ટતાને માન્યતા
આપે છે.
2024
માટેનો દાદાસાહેબ ફાળકે એવોર્ડ પીઢ અભિનેતા અનંત નાગને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ
યોગદાનની માન્યતા રૂપે ભારતના રાષ્ટ્રપતિના હસ્તે પ્રદાન કરવામાં આવશે. પાંચ દાયકાથી
વધુ સમયની કારકિર્દી સાથે, અનંત નાગે તેમના વિવિધ પ્રકારના કામ દ્વારા કન્નડ અને ભારતીય
સિનેમામાં કાયમી યોગદાન આપ્યું છે. આ સન્માન તેમની અદ્ભુત કલાત્મક સફર અને ભારતીય સિનેમાના
સમૃદ્ધ વારસામાં કાયમી યોગદાનની ઉજવણી કરે છે.
ઉલ્લેખનીય
છે કે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની આસપાસ છેલ્લા કેટલાક દિવસોથી સમારોહની તૈયારીઓને અંતિમ
ઓપ આપવામાં આવી રહ્યો છે. વિશાળ ડોમ, મંચ, બેઠક વ્યવસ્થા, સુરક્ષા અને અન્ય તકનિકી
વ્યવસ્થાઓ તૈયાર કરવામાં આવી રહી છે. વિવિધ અહેવાલો મુજબ કાર્યક્રમ માટે વિશેષ આયોજન
કરવામાં આવ્યું છે અને દેશભરના મહાનુભાવો એકતાનગર પહોંચશે. દિલ્હીની બહાર રાષ્ટ્રીય
ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજવાનો નિર્ણય દેશના વિવિધ પ્રદેશોને રાષ્ટ્રીય સાંસ્કૃતિક
કાર્યક્રમો સાથે જોડવાની નવી દિશા તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. કેન્દ્રના માહિતી
અને પ્રસારણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, ભવિષ્યમાં પણ આ સમારોહ દેશના વિવિધ ભાગોમાં
યોજાશે.
એવોર્ડ
માટે પસંદગી પામેલા કલાકારો અને વિવિધ ફ્લ્મો
ભારતીય
સિનેમાના શ્રેષ્ઠ પ્રદાનની ઉજવણી 72માં રાષ્ટ્રીય પુરસ્કારો દેશભરની કેટલીક શ્રેષ્ઠ
ફિલ્મો, પ્રદર્શનો અને સર્જનાત્મક પ્રતિભાઓને એકસાથે લાવશે. આર્ટિકલ 370ને શ્રેષ્ઠ
ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે જ્યારે ‘ભંગાર’ ને શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ તરીકે અને
‘રામ-નામી’ને શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી તરીકે પસંદ કરવામાં આવી છે. અભિનય શ્રેણીઓમાં ‘બહ્મયુગમ’
માટે મમ્મૂટી અને ચંદુ ચેમ્પિયન માટે ‘કાર્તિક આર્યન’ની શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદગી
કરવામાં આવી છે. જ્યારે આર્ટિકલ 370 માટે યામી ગૌતમને શ્રેષ્ઠ મુખ્ય અભિનેત્રીનો પુરસ્કાર
આપવામાં આવશે. સ્વાતંત્ર્ય વીર સાવરકર માટે રણદીપ હુડાને શ્રેષ્ઠ ડેબ્યુ, દિગ્દર્શકના
પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યાં છે. કલ્કિ 2898 એડી, અમરન, પુષ્પા, ધ રૂલ પાર્ટ-2,
ભૂલ ભૂલૈયા-3 અને ત્રી-2 તેમજ ગુજરાતી ફિલ્મ ‘મારણ’ પણ વિવિધ શ્રેણીઓમાં સન્માન મેળવશે.