કથામાં જવા નીકળેલા પતિ-પત્ની પર કૌટુંબિક ભાઈનો ધોકા વડે જીવલેણ હુમલો : પત્નીનું સ્થળ પર જ મૃત્યુ , પતિએ સારવારમાં દમ તોડયો, બચાવવા પડેલા બે પરિવારજનો પણ ઘાયલ
રાજકોટ,
તા.20: જસદણ તાલુકના જંગવડમાં મિલકતના જૂના વિવાદે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી
લીધી છે. કથામાં જવા માટે ઘરેથી નીકળેલા દંપતી પર કૌટુંબિક ભાઈએ ધોકા વડે આડેધડ હુમલો
કરતાં સગર્ભા પત્નીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા
પતિએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડયો હતો. નવા મહેમાનના આગમનની તૈયારી
કરી રહેલા પરિવારમાં બેવડી હત્યાથી માતમ છવાયો છે. હુમલામાં બચાવવા પડેલા અન્ય બે પરિવારજનો
પણ ઘાયલ થયા છે.
જસદણ
તાલુકાના જંગવડ ગામના લીમડા ચોકમાં રહેતા 35 વર્ષીય પ્રકાશ બચુ ઘોડકિયા અને તેમની
32 વર્ષીય સગર્ભા પત્ની વિલાસ ગુરુવારે બપોરે કથા સાંભળવા ઘરેથી નીકળ્યાં હતાં. દરમિયાન
જૂના ચોરા પાસે રહેતા પ્રકાશના મોટા બાપુના દીકરા અશોક ઉર્ફે સૂડો ગાવિંદ ઘોડકીયા ધોકો
લઈને ધસી આવ્યો હતો અને દંપતીના માથામાં આડેધડ ઘા ઝીંક્યા હતા. દંપતીની બૂમાબૂમ સાંભળી
બચાવવા દોડી આવેલા પૂરી ભૂપત ઘોડકિયા અને મુક્તા ઉર્ફે લાભુ જયંતી ઘોડકીયા પર પણ આરોપીએ
હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા તમામને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં વિલાસને મૃત
જાહેર કરાયાં હતાં જ્યારે પ્રકાશનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.