• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં બે નરાધમને આજીવન કેદની સજા

દોલતપરા અને સોંદરડાના શખસને આજીવન કેદ ઉપરાંત 50-50 હજારનો દંડ

જૂનાગઢ, તા.19 ઃ કેશોદ પંથકની એક યુવતીને દોલતપરાના શખસે બદકામના ઇરાદે બાઈકમાં અપહરણ કરી દુષ્કર્મ ગુજારી છોડી દીધી હતી. આ યુવતી પર સોંદરડાના શખસે એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચરેલ આ કેસમાં કેશોદ કોર્ટે બંને નરાધમોને આજીવન કેદની સજા અને રૂપિયા 50- 50 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.

આ કિસ્સાની વિગત પ્રમાણે જૂનાગઢના દોલતપરામાં રહેતો આરીફ ઉર્ફે અલ્તાફ અબ્દુલ બાબર ઉમર 22ને કેશોદ પંથકની એક યુવતી સાથે મિત્રતા કેળવાઈ હતી. આ શખસે બદકામના ઇરાદે ગત તા. 17 -6- 2013ના યુવતીને અવાણિયા ગામે બોલાવી ત્યાંથી બાઈક ઉપર અપહરણ કરી ગળું - ઝળકાની સીમમાં લઈ જઈ ત્યાં તેના ઉપર દુષ્કર્મ ગુજારી આ અંગેની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી માળિયા ખાતે છોડી દીધી હતી.

આ યુવતીને આબરૂ જવાની બીક લાગતા ઘરે ન જવાનું વિચારી પગપાળા રેલવે ટ્રેક ઉપર સોંદરડા પહોંચી હતી. પરંતુ થાકી ગઈ હતી અને ટ્રેન પસાર થતાં તેની ઝડપને કારણે યુવતી પડી જતા બાજુમાં વાડી ધરાવતા દાસા કાના ખાંભલા ઉંમર 42 ત્યાં મદદે દોડી આવ્યો હતો. અને આ યુવતિને પોતાની વાડીએ બે ત્રણ દિવસ આશરો આપ્યો હતો. બાદમાં કેશોદ ખાતે પોતાનું ઘર બતાવવાના બહાને લઈ જઈ ત્યાં તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ અંગે યુવતીએ કેશોદ પોલીસમાં બંને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. આ કેસ કેશોદની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે બંને નરાધમોને આજીવન કેદની સજા અને રૂપિયા 50 - 50 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક