• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

સાંસદો ઉપર ભડક્યા ઓમ બિરલા : કહ્યું, આસનને પડકાર ન ફેંકો

ભાજપ સાંસદ ગંગોપાધ્યાય અને ટીએમસીના અભિષેક બેનરજીની ટિપ્પણીની ટિકા : સદનની ગરિમાને ઠેસ ન પહોંચાડવા સલાહ

નવી દિલ્હી, તા. 25 : લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ભારતીય જનતા પાર્ટીના સભ્ય અભિજીત ગંગોપાધ્યાય અને ટીએમસી સાંસદ અભિષેક બેનરજીની ટિપ્પણીઓ ઉપર સાંસદોને કહ્યું હતું કે તેઓ સદનની મર્યાદા રાખે અને આસનને પડકાર ન ફેંકે. સદનની કાર્યવાહી શરૂ થતા જ કોંગ્રેસ સાંસદોએ ગંગોપાધ્યાયની વાંધાજનક ટિપ્પણીનો વિષય ઉઠાવ્યો હતો. બિરલાએ કહ્યું હતું કે આ સદનની એક મર્યાદા છે. ઉચ્ચ પરંપરા રહી છે. તેઓનો તમામ લોકોને આગ્રહ છે કે તમામ પોતાની વાત રજૂ કરે, ચર્ચામાં ભાગ લે પણ એવી કોઈપણ ટિપ્પણી ન કરે જે સંસદની મર્યાદા અને સંસદીય મર્યાદાને અનુકુળ ન હોય. ક્યારેયસ આસન સાથે દલીલો ન કરવામાં આવે અને તેને પડકાર ન ફેંકવામાં આવે.  બિરલાનો ઈશારો અભિષેક બેનરજી તરફ હતો. જેણે બુધવારે ટિપ્પણી કરી હતી. અભિષેક બેનરજીએ ચર્ચામાં ભાગ લેતા નોટબંધી અને લોકડાઉનનો ઉલ્લેખ કરતા અધ્યક્ષે કહ્યું હતું કે 2016 બાદ બે વખત ચૂંટણી થઈ ચુકી છે અને બજેટ ઉપર વાત કરવામાં આવે. અધ્યક્ષનો ઈશારો 2019 અને 2024મા એનડીએની સરકાર બનવા તરફ હતો. ત્યારે ફરી એક વખત બેનરજીએ કોઈનું નામ લીધું હતું. જેના કારણે સત્તાપક્ષે હંગામો કર્યો હતો. અધ્યક્ષે કહ્યું હતું કે સદનમાં એવા લોકોનું નામ ન લેવામાં આવે જે હવે સદનમાં સભ્ય નથી. બીજી તરફ ગંગોપાધ્યાયે પણ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ ગોડસે ઉપર નિવેદન આપ્યું હતું. જેના ઉપર પલટવાર કરતા ગોગપાધ્યાયે એક વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ શબ્દ ઉપર વિપક્ષે વિરોધ કર્યો હતો અને માફીની માગ કરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક