નવી દિલ્હી, તા.ર1 : બલૂચિસ્તાનમાં
થઈ રહેલા એક પછી એક બોમ્બ ધડાકાથી પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર વિચલીત થઈ ઉઠી છે
અને ભારત પર બલૂચિસ્તાનને અસ્થિર કરવા અને પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો
છે.
પાકિસ્તાન સરકારના વિદેશ કાર્યાલયના
પ્રવકતા શફકત અલી ખાને આરોપ લગાવ્યો કે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે હત્યાઓ કરાવવાનું
અભિયાન ચલાવી રહ્યું છે. મીડિયા સાથેની સાપ્તાહિક વાતચીત દરમ્યાન તેમણે બફાટ કર્યો
કે ભારતની સંડોવણી સ્પષ્ટ છે તે પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહયું છે. એટલું
જ નહીં તમામ દક્ષિણ એશિયાઈ દેશોને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રવકતાએ ભારતનું
નામ લઈને બલૂચિસ્તાનને અસ્થિર કરવા અને પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહયાનો
આરોપ લગાવ્યો હતો.
પાકમાં ફરી ગોળીબાર : સાત આતંકી
ઢેર
ઇસ્લામાબાદ, તા. 21 : બલુચ આર્મીના
હુમલાઓ બાદ પાકિસ્તાનમાં આતંકવાદે અરાજકતા
સર્જી નાખી છે. ખૈબર પખતુંખ્વા પ્રાંતમાં વધુ એકવાર ગોળીબારમાં સાત આતંકવાદી
માર્યા ગયા હતા. આ ઘર્ષણમાં પાકિસ્તાની સૈન્યના એક કેપ્ટનનું પણ મોત થયું હતું. બીજી
તરફ પેશાવરમાં જુમ્માની નમાઝ દરમિયાન એક મોટો
બ્લાસ્ટ થયો હતો. જેમાં પાંચના મૃત્યુ અને 30 ઘાયલ થયા છે.