નવી દિલ્હી, તા. 3: અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે દુનિયાના ઘણા દેશો ઉપર ટેરિફનું એલાન કર્યું છે. આ ટેરિફ ટ્રમ્પે
હરીફો ઉપર લગાડયા છે સાથે નજીકના વ્યાપારીક સહયોગીઓને પણ છોડયા નથી. ટ્રમ્પે બીજી એપ્રિલને
લિબરેશન ડે ગણાવતા કહ્યું હતું કે ટેરિફ અમેરિકાની આઝાદીની ઘોષણા છે. ટેરિફ લાદવાથી
અમેરિકાનું નુકસાન ઘટશે, કંપનીઓ અમેરિકામાં
ઉત્પાદન શરૂ કરશે તેમજ નોકરીઓમાં વધારો થશે. જો કે વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે ટ્રમ્પનું
પગલું વૈશ્વિક વ્યાપાર યુદ્ધ શરૂ કરી શકે છે. ટ્રમ્પ ટેરિફ ઉપર અલગ અલગ દેશો દ્વારા
પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે.
ભારત : દેશ તરફથી કેન્દ્રીય વિત્ત
રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે, ભારત પહેલા ટેરિફનું વિશ્લેષણ કરશે. ભારત
ઉપર ટ્રમ્પે 26 ટકા ટેરિફ લાદ્યો છે. જેના ઉપર પંકજ ચૌધરીએ કહ્યું હતું કે ડોનાલ્ડ
ટ્રમ્પ માટે અમેરિકા પહેલા છે અને મોદીજી માટે ભારત પહેલા છે. ટેરિફનું વિશ્લેષણ કરીને
તેના પ્રભાવની સમીક્ષા કરવામાં આવશે.
ચીન : અમેરિકી ટેરિફની નિંદા
કરતા ચીનના વાણિજ્ય મંત્રાલયે તેને આંતરરાષ્ટ્રીય વ્યાપાર માપદંડોનું ઉલ્લંઘન ગણાવ્યા
હતા અને તર્ક આવ્યો હતો કે તેનાથી પ્રભાવિત દેશોના વૈધ અધિકારોને નુકસાન પહોંચે છે.
ઈટાલી : ટ્રમ્પના સહયોગી ઈટાલીના
પીએમ જોર્જિયા મેલોનીના કહેવા પ્રમાણે ટેરિફનો નિર્ણય અયોગ્ય છે. જો કે સાથે એમ પણ
કહ્યું હતું કે ટ્રેડ વોર રોકવા માટે અમેરિકા સાથે સમજૂતીની દિશામાં કામ થશે.
યુરોપીય આયોગ : ઈયુ અધ્યક્ષ વોન
ડેર લેયેને કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા યુરોપ અને પુરી દુનિયા ઉપર ટેરિફ
લાદવાની ઘોષણા દુનિયાભરની અર્થવ્યવસ્થા માટે મોટો ઝટકો છે. તેનાથી અનિશ્ચિતતા વધશે
અને સંરક્ષણવાદ પણ વધશે.દુનિયાભરના લાખો લોકો વચ્ચે ભયંકર પરિણામ આવશે.
આયર્લેન્ડ : પીએમ માઈકલ માર્ટિનના
કહેવા પ્રમાણે યુરોપીય સંઘ ઉપર 20 ટકા ટેરિફનો નિર્ણય ખેદજનક છે. તેઓને દ્રઢ વિશ્વાસ
છે કે ટેરિફથી કોઈને લાભ થતો નથી. તેઓની પ્રાથમિકતા આયર્લેન્ડની નોકરીઓ અને અર્થવ્યવસ્થાની
રક્ષા કરવાની છે.
સ્પેન : સ્પેનિશ પીએમ પેડ્રો
સાંચેઝે કહ્યું હતું કે સ્પેન એક ખુલી દુનિયા માટે પ્રતિબદ્ધ રહેશે. સ્પેન પોતાની કંપનીઓ
અને શ્રમિકોની રક્ષા કરશે.
ફ્રાન્સ : રાષ્ટ્રપતિ ઈમેનુએલ
મેક્રોંએ કહ્યું હતું કે, યુરોપ માટે મુશ્કેલબનશે. તેઓના માનવા પ્રમાણે અમેરિકા અને
તેના નાગરીકો માટે પણ ટેરિફ ખુબ જ વિનાશકારી સાબિત થશે.
તાઈવાન : તાઈવાનના પીએમ ચો જં
તાઈએ કહ્યું હતું કે આ ખુબ જ અયોગ્ય પગલું છે. તેઓ અમેરિકા સમક્ષ ગંભીરતાથી વાત રાખશે.
તાઈવાન ઉપર અમેરિકાએ 32 ટકા ટેરિફ લાદ્યો છે.
દક્ષિણ કોરિયા : દ.કોરિયાના કાર્યવાહક
રાષ્ટ્રપતિ હાન ડક શૂના કહેવા પ્રમાણે વ્યાપાર યુદ્ધ હકીકત બની ગયું છે. અમેરિકાએ દ.
કોરિયા ઉપર 26 ટકા ટેરિફ લાદ્યો છે. તેમની સરકાર વ્યાપાર સંકટ ઉપર કાબુ મેળવવાની રીત
ઉપર વિચાર કરશે.
બ્રિટન : બ્રિટિશ પીએમ સ્ટાર્મરના
કહેવા પ્રમાણે અમેરિકા સાથે વ્યાપાર સમજૂતિ માટે લડાઈ લડવામાં આવશે.જેથી ટેરિફના પ્રભાવને
ઘટાડી શકાય. દુનિયા એક નવા યુગમાં પ્રવેશ કરી રહી છે.
કેનેડા : કેનેડીયન પીએમ માર્ક
કાર્નીએ કહ્યું હતું કે કેનેડા ટ્રમ્પના ટેરિફનો જવાબ આપશે. કેબિનેટ બેઠક પહેલા કાર્નીએ
કહ્યું હતું કે ઉદેશ્ય અને ક્ષમતા સાથે કામ કરવું વર્તમાન સમયે જરૂરી છે.
ઓસ્ટ્રેલિયા : પીએમ એન્થની અલ્બનીઝે
પ્રતિક્રિયામાં કહ્યું હતું કે ટેરિફનો કોઈ તાર્કિક આધાર નથી. ટેરિફનો નિર્ણય કોઈ મિત્રનું
કામ નથી. જો કે અમેરિકા સામે ટેરિફ લાદવાનો ઓસ્ટ્રેલિયાએ ઈનકાર કર્યો હતો.