• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

ફાંસીને બદલે ઈન્જેક્શન : સુપ્રીમે કહ્યું, સરકાર સમય સાથે બદલાવ કેમ નથી ઈચ્છતી ?

સરકારે લીથલ ઈન્જેક્શનનાં વિકલ્પને ગણાવ્યો હતો અવ્યવહારુ

નવી દિલ્હી, તા.1પ: મૃત્યુદંડ પામેલા કેદીઓને ફાંસીને બદલે પ્રાણઘાતક (લીથલ) ઈન્જેક્શનથી સજા આપવાનાં વિકલ્પ મુદ્દે સુપ્રીમ કોર્ટ તરફથી કેન્દ્ર સરકાર ઉપર આકરી ટિપ્પણી કરવામાં આવી છે. અરજદાર તરફથી ફાંસીનાં સ્થાને લીથલ ઈન્જેક્શનને વધુ માનવીય વિકલ્પ ગણાવવામાં આવ્યો હતો પણ સરકાર તરફથી ફાંસીની વ્યવસ્થામાં કોઈપણ ફેરફારનો વિરોધ થયો હતો. જેને પગલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ફાંસી જૂની વ્યવસ્થા હોવા છતાં સરકાર સમય સાથે કેમ બદલવા નથી માગતી? આ મામલે હવે વધુ સુનાવણી 11 નવેમ્બરે થશે.

અરજદારનાં વકીલ તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, કમસેકમ કેદીને વિકલ્પ આપવો જોઈએ કે તે ફાંસીથી મૃત્યુ ઈચ્છે છે કે ઈન્જેક્શનથી. ઈન્જેક્શનથી મૃત્યુ ઝડપી અને માનવીય પદ્ધતિ છે. જ્યારે ફાંસી ક્રૂરતા અને લાંબી પ્રક્રિયા છે. વકીલે આગળ એવું પણ જણાવ્યું હતું કે, સેનામાં તો આ વિકલ્પ અગાઉથી ઉપલબ્ધ જ છે. સામે પક્ષે કેન્દ્ર સરકારે પોતાનાં જવાબી સોગંદનામામાં કહ્યું હતું કે, આવો વિકલ્પ આપવો વ્યવહારુ નથી.

જેને પગલે ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની પીઠે કહ્યું હતું કે, સરકાર સમય સાથે પરિવર્તન માટે તૈયા નથી. સમસ્યા એ છે કે, સરકાર જૂની પદ્ધતિમાંથી બહાર જ નીકળવા માગતી નથી. ફાંસી બહુ જૂની પદ્ધતિ છે અને સમય સાથે ઘણું બદલાઈ ગયું છે. તેથી સરકાર તરફથી રજૂ થયેલા વરિષ્ઠ અધિવક્તા સોનિયા માથુરે કહ્યું હતું કે, આ પ્રકારનો વિકલ્પ આપવો નીતિગત નિર્ણય છે. ત્યારબાદ કોર્ટે સુનાવણી 11 નવેમ્બર સુધી મુલત્વી રાખી દીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક