ક્રોએશિયામાં ભારતીય દૂતાવાસમાં એસએફજેના ઉપદ્રવીઓની તોડફોડ : ભારતે ક્રોએશિયન અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો મુદ્દો : કાર્યવાહીની માગ
નવી દિલ્હી, તા. 23 : કેનેડા,
અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન બાદ હવે ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ પૂર્વ યુરોપમાં પોતાની
ગતિવિધિ વધારી દીધી છે. એક ચોંકાવનારી ઘટનામાં ક્રોએશિયાની રાજધાની જાગ્રેબ સ્થિત ભારતીય
દૂતાવાસને ખાલિસ્તાની સમર્થકોએ નિશાન બનાવ્યું હતું. આ ઘટના બાદ ભારત સરકારે આકરું
વલણ અપનાવતા ક્રોએશિયન પ્રશસાન સમક્ષ વાંધો નોંધાવ્યો હતો.
રિપોર્ટ અનુસાર પ્રતિબંધિત સંગઠન
શિખ ફોર જસ્ટિસ (એસએફજે) સંબંધિત અમુક અસમાજીક તત્ત્વોએ જાગ્રેબમાં ભારતીય દૂતવાસની
સુરક્ષાનું ઉલ્લંઘન કર્યું હતું. ઉપદ્રવીઓએ દૂતાવાસમાં બળજબરી ઘૂસવાનો પ્રયાસ કર્યો
હતો અને તોડફોડ પણ કરી હતી. સ્થળ ઉપર રહેલા લોકો અને અધિકારીઓએ કહ્યું હતું કે, ખાલિસ્તાની
સમર્થકોએ દૂતવાસની દીવાલો ઉપર ભારત વિરોધી નારા લખ્યા હતા તેમજ ભારતીય ત્રિરંગાને ઉતારીને
તેની જગ્યાએ ખાલિસ્તાની ઝંડો લગાડવાની કોશિશ કરી હતી. ઘટના ગણતંત્ર દિવસ પહેલા થઈ રહી
છે જ્યારે યુરોપના નેતા ભારત આવી રહ્યા છે.
ભારતે ક્રોએશિયામાં બનેલી ઘટનાની
આકરી નિંદા કરી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, નવી દિલ્હી અને
જાગ્રેબમા ક્રોએશિયન અધિકારી સમક્ષ પૂરો બનાવ મજબૂતીથી ઉઠાવ્યો હતો અને દોષિતો સામે
કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. મંત્રાલયે બનાવની નિંદા કરતા કહ્યું
હતું કે, દૂતાવાસની યોગ્ય સુરક્ષા થવી જોઈએ.