બાગબાન, સુરેશ કંપનીની બનાવટી તમાકુ તેમજ ચારભાઈ, સંભાજી બનાવટી બીડી મળી કુલ રૂ.4,36,315નો જથ્થો ઝડપાયો
અમરેલી,તા.30 : જિલ્લામાં અનેક
સ્થળે બ્રાન્ડેડ કંપનીની તમાકુ, બીડી, સિગારેટ સહિત અનેક ખાદ્ય તથા અખાદ્ય વસ્તુઓની
નકલી માલસામાન બનાવીને આવી વસ્તુઓનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. જેને લઈ અમરેલીમાં
પાશેરામાં પુણી સમાન એક સ્થળેથી નકલી-બીડી તમાકુ સહિતની વસ્તુઓ પોલીસે ઝડપી પાડી છે.
અમરેલી એસઓજી ટીમ શહેર વિસ્તારમાં
પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી કે, શહેરમાં મણીનગર વિસ્તારમાં સાઈબાબાના
મંદિર પાસે રહેતા ઈરફાનભાઈ ઈસ્માઈલભાઈ પઠાણ પોતાના રહેણાંક મકાનમાં ડુપ્લીકેટ તમાકુ
તેમજ ડુપ્લીકેટ બીડીની બનાવટ કરી તેનુ વેચાણ કરે છે. જેથી બાતમીવાળા સ્થળે દરોડો કરતા
આ ઈસમને બનાવટી માલની તમાકુ, બીડીના જથ્થા તેમજ સુરેશ તમાકુ, બાગબાન તમાકુ, ચારભાઈ
બીડી, સંભાજી બીડી બનાવવાના રો-મટીરીયઅલ, સ્ટીકરો, હોલમાર્કના સિક્કાઓ વિગેરે કુલ રૂ.4,36,315ના
મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો અને પકડાયેલા શખસ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી
કરી અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યો છે.