• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

ભાવનગરમાં જમાદારને આપઘાત કરવા મજબૂર કરનાર પીએસઆઈ સામે ગુનો નોંધાયો

પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગર, તા.ર9: ભાવનગર પોલીસબેડામાં ચકચાર જગાવનારા હેડ કોન્સ્ટેબલની આત્મહત્યાના કેસમાં આખરે આઠ દિવસ બાદ ઘોઘા પોલીસ મથકના જ પી.એસ.આઈ. બી.કે.ગોસ્વામી વિરૂદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બનાવ અંગે મૃતક હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહના પિતા જેઓ પોતે નિવૃત્ત પોલીસ કર્મચારી છે જેના દ્વારા ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે કે પી.એસ.આઈ. દ્વારા કરવામાં આવતા માનસિક ત્રાસ અને હેરાનગતિના કારણે દિગ્વિજયસિંહે અંતિમ પગલુ ભર્યુ હતું. ગત તા.ર1ના રોજ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે કોઈ અગમ્ય કારણોસર પરિવારના મતે માનસિક ત્રાસના કારણે ઝેરી દવા પી લીધા હતી, જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તા.રરના  ભુતેશ્વર ગામ પાસે કારમાં તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યુ હતું. અને ઘટનાના આઠ દિવસ બાદ અને પરિવારના સતત ન્યાયની માંગણી બાદ, તે જ પોલીસ મથકના પી.એસ.આઈ. બી.કે.ગોસ્વામી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા પોલીસ આલમમાં ખળભળાટ મચી ગયો છે. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, ઘોઘા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બી.કે.ગોસ્વામી દ્વારા દિગ્વિજયસિંહને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આથી કંટાળીને તેમણે અંતિમ પગલું ભર્યુ હોવાનું પરિવાર એ આક્ષેપ કર્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક