કાર્યાલય બહાર લગાવેલા પોસ્ટરમાં લખ્યું, અરાજકતાની રીત એક, માત્ર દેશ વિરોધી ચહેરા બદલ્યા
નવી
દિલ્હી, તા. 26 : દિલ્હીમાં એઆઈ સમિટમાં થયેલા હોબાળા માટે ભાજપે ફરી એકવાર રાહુલ ગાંધીને
જવાબદાર ઠેરવતાં કોંગ્રેસ નેતાની તુલના 2020માં થયેલા હુલ્લડના આરોપી ઉમર ખાલિદ સાથે
કરી હતી અને દિલ્હી ભાજપના કાર્યાલયની બહાર પોસ્ટર લગાવ્યા હતા, જેમાં લખ્યું હતું
કે, અરાજકતાની રીત એક, માત્ર દેશવિરોધી ચહેરાઓ બદલાયા.
એક
મીડિયા હેવાલ મુજબ, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા આરપી સિંહ દ્વારા લગાવાયેલા આ પોસ્ટરમાં
એક તરફ સીએએના વિરોધમાં પ્રદર્શન કરી રહેલો ઉમર ખાલિદ દેખાય છે, તો બીજી તરફ શર્ટલેસ
કોંગ્રેસ કાર્યકર્તાઓ પાછળ ઊભેલા રાહુલ ગાંધીની તસવીર દેખાય છે, જે એઆઈ સમિટનો વિરોધ
કરી રહ્યા છે.
એઆઈ
સમિટમાં અર્ધનગ્ન થઈને પ્રદર્શન કરવાના આરોપમાં અત્યાર સુધી 11 યૂથ કોંગ્રેસ નેતાની
ધરપકડ થઈ ચૂકી છે, ત્યારે બુધવારે હિમાચલ અને દિલ્હી પોલીસ વચ્ચે ત્રણ યૂથ કોંગ્રેસ
નેતાઓની ધરપકડ મામલે ટકરાવ થયો હતો. દિલ્હી પોલીસે શિમલાની એક હોટેલમાંથી મધ્યપ્રદેશ
અને ઉત્તરપ્રદેશના ત્રણ નેતાની ધરપકડ કરી હતી, પણ હિમાચલ પોલીસે તેમને અડધા રસ્તે જ
રોકી લીધા અને દિલ્હી લઈ જવા નહોતા દીધા.