• ગુરુવાર, 19 માર્ચ, 2026

તો હાઉસફુલ-4ની જેમ ફ્રોડ થશે : લાવારીસ રકમ અંગે સુપ્રીમની ચેતવણી

બેન્કોમાં પડેલા અનક્લેમ્ડ પૈસા અંગે કેન્દ્ર સરકાર અને આરબીઆઈને સોગંદનામું રજૂ કરવા આદેશ

નવી દિલ્હી, તા. 18 : સુપ્રીમ કોર્ટે બેન્કોમાં પડેલા પૂર્વજોના અનક્લેમ્ડ (લાવારીસ) પૈસા અંગે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ને આકરો સવાલ કર્યો છે. અદાલતે સવાલ કર્યો છે કે મૃત વ્યક્તિઓનાં નિક્રિય બેન્ક ખાતાની જાણકારી તેના કાનૂની ઉત્તરાધિકારીઓને કેમ આપી શકાય નહીં ? કોર્ટે ચેતવણી આપી હતી કે જો સિસ્ટમને ખુલ્લો અને સાર્વજનિક ડેટાબેઝ બનાવવામાં આવશે તો છેતરપિંડીનું જોખમ ઉભું થઈ શકે છે. જ્યાં ફર્જી દાવેદારોની ભીડ લાગી શકે છે. આ દરમિયાન કોર્ટે છેતરપિંડીનું ઉદાહરણ આપવા ‘હાઉસફુલ 4’નું ઉદાહરણ આપ્યું હતું.

સુપ્રીમ કોર્ટે અનક્લેમ્ડ પૈસા મુદ્દે આરબીઆઇ અને કેન્દ્ર સરકર પાસે સોગંદનામું માગ્યું છે. આ મામલે થયેલી અરજીમાં એક કેન્દ્રીયકૃત સિસ્ટમ બનાવવાની માગણી કરવામાં આવી હતી. જેથી પરિવારો અને કાનૂની ઉત્તરાધિકારીઓને તેમના મૃત સંબંધીઓનાં બેન્ક ખાતા, વીમા, શેર અને અન્ય સંસ્થામાં રહેલા પૈસાને ટ્રેક કરવા અને તેના ઉપર દાવો કરવામાં મદદ મળી રહે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની પીઠે સુચેતા દલાલ દ્વારા દાખલ અરજી ઉપર સુનાવણી કરતા કેન્દ્ર સરકાર અને આરબીઆઈને ચાર અઠવાડિયાની અંદર જવાબી સોગંદનામું દાખલ કરવા કહ્યું હતું અને આગામી સુનાવણી 5 મેના નક્કી કરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક