વૈશ્વિક
ઓઈલ પુરવઠો વધુ ખોરવાઈ જવાની દહેશતે ક્રૂડ 109 ડોલર પ્રતિ બેરલ : કમજોરીમાં રૂપિયો
સર્વકાલીન તળીયે, ડોલર સામે 92.80નાં સ્તરે
નવી
દિલ્હી, તા.18: પશ્ચિમ એશિયાનાં દેશોમાં વધી ગયેલા તનાવનાં કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં
ભારે ઉથલ-પાથલ મચી ગઈ છે. ઈરાને પોતાનાં ઊર્જા ઠેકાણા ઉપર હુમલા પછી તેની જવાબી કાર્યવાહીની
દહેશતે ક્રૂડ ઓઈલ અને ગેસનાં ભાવોમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં
બ્રેંટ ક્રૂડ ઓઈલની કિંમત આશરે પ.94 ટકા વધીને 109.6 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગઈ છે.
બીજીબાજુ રૂપિયો ગગડીને સર્વકાલીન તળીયે પહોંચી ગયો હતો. જેમાં ડોલર સામે રૂપિયો
92.80નાં સ્તરે પહોંચી ગયો હતો.
ઈરાને
આરોપ લગાવ્યો છે કે, અમેરિકા અને ઈઝરાયલે તેનાં સાઉથ પાર્સ ગેસ ક્ષેત્ર અને અસાલુયેહ
સ્થિત ઓઈલ ફેસિલિટી ઉપર હુમલો કર્યો છે. તેની સામે ઈરાની સેનાએ સાઉદી, કતાર, યુએઈમાં
ઓઈલ મથકો ઉપર હુમલાની તૈયારી કરી હોવાનાં અહેવાલોનાં પગલે દુનિયામાં ફરી એકવાર ક્રૂડનાં
ભાવમાં ભડકો થઈ ગયો છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં માલ પરિવહન ઠપ કરી દીધું છે અને
કતારમાં એલએનજીનું ઉત્પાદન પ્રભાવિત થયું છે. અનેક ઓઈલ ઉત્પાદક દેશોએ પણ પ્રોડક્શન
ઘટાડી દીધું છે. જેનાં હિસાબે વૈશ્વિક પુરવઠો ખોરવાયો છે.
ક્રૂડ
ઓઈલનાં ભાવમાં આગ લાગતાં રૂપિયો પણ ગગડીને સર્વકાલીન તળીયે ગરક થઈ ગયો છે. ક્રૂડ ઓઈલનાં
વધતા ભાવનાં કારણે રૂપિયો કમજોર થઈને 94-9પનાં સ્તરે પહોંચવાની ભીતિ છે. છેલ્લે સર્વકાલીન
તળિયું 92.47 હતું જે આજે વળોટીને ડોલરનો ભાવ 92.80નાં સ્તરે સરકી ગયો છે.
------------
ઈરાનનાં
સૌથી મોટા ગેસ ક્ષેત્ર ઉપર હુમલો
અમેરિકા
અને ઈઝરાયલની કાર્યવાહીથી ભડક્યું ઈરાન: દુનિયાને સ્તબ્ધ કરી નાખવાની ધમકી : લારીજાનીનાં
મૃત્યુની પુષ્ટિ: ઈરાન વધુ ભડક્યું, હુમલા વધાર્યા : ઈઝરાયલે પણ લેબનોન અને ઈરાનમાં
ખાનાખરાબી મચાવવાનું રાખ્યું ચાલુ
નવી
દિલ્હી, તા.18: ઈરાન-ઈઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ જેમજેમ દિવસો પસાર થાય છે તેમતેમ
વધુને વધુ ભયાવહ બનતું જાય છે. જેમાં હવે અમેરિકા અને ઈઝરાયલે ઈરાનનાં ઉર્જા ઠેકાણાઓને
નિશાનમાં લેવા માંડયા છે. જેને પગલે જવાબી કાર્યવાહીમાં ઈરાન પોતાનાં પાડોશી ખાડી દેશોમાં
પણ આવી કાર્યવાહીને અંજામ આપે તેવી દહેશત ફેલાઈ ગઈ છે.
ઈરાનનાં
સરકારી મીડિયાનાં અહેવાલ અનુસાર અમેરિકા અને ઈઝરાયલે દક્ષિણ ઈરાનમાં સાઉથ પાર્સ ગેસ
ફીલ્ડ અને અસાલુયેહ શહેરની ઓઈલ-ગેસ સુવિધા ઉપર એર સ્ટ્રાઈક કરી નાખી છે. સાઉથ પાર્સ
દુનિયાનું સૌથી મોટી પ્રાકૃતિક ગેસ ક્ષેત્ર ગણાય છે. આ ઉપરાંત પેટ્રોકેમિકલ અને ઓઈલ
ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નિશાન બનાવાયા છે. આ હુમલાને પગલે ઈરાન હવે દુનિયાને અચંબિત
કરી નાખે તેવા હુમલાની ધમકીઓ આપી રહ્યું છે.
આ યુદ્ધમાં
પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેની પછી ઈરાનને વધુ એક મોટો ફટકો સર્વોચ્ચ સુરક્ષા અધિકારી
અલી લારીજાનીનાં રૂપમાં લાગ્યો છે. ઈઝરાયલે કરેલા દાવાની આજે ઈરાને પણ પુષ્ટિ આપી દીધી
હતી કે લારીજાનીનું એક હુમલામાં મોત નીપજ્યું છે. આ ઉપરાંત ઈરાનનાં ગુપ્તચર મંત્રી
ઈસ્માઈલ ખાતીબ સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ પણ મૃત્યુ પામ્યા હોવાનું ઈઝરાયલનાં સંરક્ષણ
મંત્રીએ કહ્યું હતું.
આમાં
હવે રશિયાની પણ આકરી પ્રતિક્રિયા આવી છે. રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તરફથી
તો કોઈ સીધી પ્રતિક્રિયા નથી આવી પણ રશિયાનાં વિદેશ મંત્રાલયે હુમલાને પૂર્વાયોજિત
અને ઉશ્કેરણી વગરની કાર્યવાહી ગણાવીને નિંદા કરી છે અને આને આંતરરાષ્ટ્રીય કાયદાનો
ભંગ ગણાવ્યો છે.
ઈરાન
અને લેબનોનમાં આજે 20મા દિવસે ઈઝરાયલે હુમલાને વધુ ઘાતકી બનાવ્યા હતાં અને તેમાં ડઝનબંધ
લોકો મૃત્યુ પામ્યા અને ઘાયલ થયા હોવાનું માનવામાં આવે છે. બીજીબાજુ અલી લારીજાનીનાં
મૃત્યુથી સમસમી ઉઠેલા ઈરાને પણ જવાબી કાર્યવાહી તીવ્ર બનાવી દીધી છે. આ ઉપરાંત ઈરાનનાં
વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું હતું કે, દેશનાં વરિષ્ઠ નેતા અને અધિકારીઓનાં મૃત્યુ
છતાં તહેરાનની શાસન વ્યવસ્થા મજબૂત છે અને ઈરાન કોઈપણ ભોગે પાછીપાની નહીં જ કરે.
ઈરાને
આજે ઈરાકનાં બગદાદ, બહેરીન, કુવૈત, કતાર, સાઉદી અરેબાય અને યુએઈમાં પણ હુમલા બોલાવ્યા
હતાં. આમાં બગદાદમાં અમેરિકાનાં દૂતાવાસને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું.
છેલ્લા
19 દિવસની વાત કરવામાં આવે તો હજી સુધી આ યુદ્ધ શમવાનાં કોઈ સંકેતો મળી રહ્યાં નથી.
28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઈરાનમાં અમેરિકા અને ઈઝરાયલે 1394 હુમલા કર્યા હતાં.
બીજીબાજુ ઈરાન અને તેનાં સહયોગી સંગઠનો દ્વારા જવાબી કાર્યવાહીમાં 784 હુમલા કર્યા
છે અને આમ, કુલ હુમલાની સંખ્યા 2178 થઈ ગઈ છે.