• ગુરુવાર, 19 માર્ચ, 2026

ઉદ્યોગ, કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 54,926 કરોડની યોજનાઓ મંજૂર

કેબિનેટમાં લેવાયા મહત્ત્વના નિર્ણયો : ઔદ્યોગિક વિકાસ માટે 33,660 કરોડના બજેટની ‘ભવ્ય’ યોજના ચલાવાશે : કપાસ સીઝન 2023-24 માટે 11,712 કરોડ રૂપિયા મંજૂર : લઘુ જળવિદ્યુત પરિયોજનાને પણ લીલીઝંડી

નવી દિલ્હી, તા. 18 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઉદ્યોગ, કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કુલ 54,926 કરોડ રૂપિયાની યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીમંડળની મહત્ત્વની બેઠકમાં  દેશમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે 33,660 કરોડ રૂપિયાની ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (ભવ્ય)ને મંજૂરી આપી છે. જેના હેઠળ દેશભરમાં 100 ઔદ્યોગિક પાર્ક તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટે કપાસ સીઝન 2023-24 માટે એમએસપી હેઠળ કિસાનોને રાહત આપી છે. કેબિનેટ દ્વારા 11,712 રૂપિયાના સમર્થનને મંજૂરી આપી છે. આ સાથે 2023-24 દરમિયાનના એમએસપી ઓપરેશનમાં થયેલા 1718 કરોડના ખર્ચની ભરપાઈને અનુમતિ આપી છે.

ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (ભવ્ય) : કેન્દ્રીય મંત્રીમંડળે ઉદ્યોગોને વિકાસ આપવા માટે આ મહત્ત્વની યોજના મંજૂર કરી છે. જેના માટે 33,660 કરોડ રૂપિયાનું વિશાળ બજેટ ફાળવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ દેશભરમાં 100 રોકાણ માટે તૈયાર પ્લગ એન્ડ પ્લે ઔદ્યોગિક પાર્ક વિકસિત કરવામાં આવશે. જેનો હેતુ ઉદ્યોગો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનો છે. કેન્દ્ર સરકાર પ્રતિ એકર એક કરોડ રૂપિયા સુધીની આર્થિક સહાય કરશે. આ યોજના છ વર્ષ માટે છે. ઔદ્યોગિક પાર્ક માટે ઓછામાં ઓછા 100 એકર ક્ષેત્રની જરૂરિયાત રહેશે. જો કે પુર્વોત્તર અને પહાડી વિસ્તારમાં આ સીમા 25 એકરની છે.

કપાસ એમએસપી (2023-24) : કેબિનેટે કપાસ સીઝન 2023-24 દરમિયાન એમએસપી સંચાલનમાં થયેલા 1718 કરોડ રૂપિયાના ખર્ચની ભરપાઈ મંજૂર કરી છે. આ નિર્ણય કિસાનોને સમર્થન માટે લેવાયો હતો, કારણ કે ઓક્ટોબર 2023થી સપ્ટેમ્બર 2024 સુધી ચાલેલી સીઝનમાં કપાસની કિંમત એમએસપીથી  નીચે આવી હતી. સરકારે ભારતીય કપાસ નિગમ (સીસીઆઈ)ના માધ્યમથી એમએસપી ઉપર કિસાનો પાસેથી કપાસની ખરીદી કરી હતી. આ ખરીદીથી 7.25 લાખ કિસાનોને સીધો લાભ મળ્યો હતો. કુલ 33 લાખ કપાસની ગાંસડી ખરીદવામાં આવી હતી. આ ખરીદીના માધ્યમથી કિસાનોને કુલ 11,712 કરોડની સહાય મળી હતી.

રાજમાર્ગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર (એનએચ-927) રાષ્ટ્રીય સડક સંપર્કને વધારે સુદૃઢ બનાવવાની દિશામાં મહત્ત્વનું પગલું ભરતા રાષ્ટ્રીય રાજમાર્ગ 727ના બારબાંકીથી બહરાઈચ ખંડને ફોર લેન બનાવવા 6969 કરોડ રૂપિયાની પરિયોજનાને કેબિનેટમાંથી મંજૂરી મળી છે.

લઘુ જળ વિદ્યુત વિકાસ યોજના : કેન્દ્રીય મંત્રીમંડળે 2585 કરોડ રૂપિયાના પડતરની એક લઘુ જળવિદ્યુત વિકાસ યોજનાને મંજૂરી આપી છે. જેનો હેતુ 1500 મેગાવોટ બિનપરંરાગત ઊર્જા ક્ષમતાના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે પર્યાવરણની દૃષ્ટિએ આ દેશ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. આ પરિયોજનાઓને ડેમ બનાવ્યા  વિના અને લોકોને વિસ્થાપીત કર્યા વગર નદીના પ્રવાહ ઉપર આધારીત પરિયોજનાના રૂપમાં વિકસિત કરવામાં આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક