• ગુરુવાર, 19 માર્ચ, 2026

સોશિયલ મીડિયાની સામગ્રી હવે રક્ષા, વિદેશ મંત્રાલય પણ કરાવી શકશે બ્લોક!

સરકાર કાયદામાં ફેરફાર કરીને સોશિયલ મીડિયાની સામગ્રી રોકવાની શક્તિનો વ્યાપ વધારે તેવી સંભાવના

નવી દિલ્હી, તા.18: હવે કેન્દ્ર સરકાર વિદેશ, રક્ષા, ગૃહ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને પણ સોશિયલ મીડિયાની સામગ્રી બ્લોક કરવાનો અધિકાર આઈટી એક્ટની કલમ 69(એ) હેઠળ પ્રદાન કરવા માગે છે. વર્તમાનમાં આ અધિકાર માત્ર આઈટી મંત્રાલય પાસે જ છે.

જો આ નવો આદેશ આપવામાં આવે તો ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક અને યૂટયૂબ જેવા પ્લેટફોર્મ ઉપરની સામગ્રી બ્લોક કરવાનો અધિકાર એકલા આઈટી મંત્રાલય પાસે નહીં બલ્કે અનેક સરકારી વિભાગોને મળી જશે.

બે વરિષ્ઠ અધિકારીઓનાં હવાલેથી આવતાં મીડિયાનાં અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર આ મુદ્દે આંતર મંત્રાલય ચર્ચા કરી રહી છે. સરકારનું માનવું છે કે, ઓનલાઈન જનરેટેડ કંટેન્ટ અનેકવાર ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. તેથી આનાં ઉપર રોક અને લગામ જરૂરી બની જાય છે. હાલનાં તબક્કે આ અધિકાર પાંચ મંત્રાલયોને આપવામાં આવી શકે છે. જો કે આગળ જતાં સરકાર તેનો વ્યાપ પણ વધારે તેવું બની શકે છે. ભવિષ્યમાં સરકાર સેબીને પણ આવી તાકાત આપી શકે છે. સેબી ઘણાં લાંબા સમયથી આવા અધિકારની માગણી કરી રહ્યું છે. તેનું કહેવું છે કે, સોશિયલ મીડિયામાં એવી ઘણી ભ્રામક સામગ્રીઓ ફેલાઈ રહી છે જે આર્થિક રીતે લોકોને ગેરમાર્ગે દોરવી જાય છે.

અત્યારે ભારતમાં કોઈપણ ઓનલાઈન સામગ્રીને બ્લોક કરવાની બે પદ્ધતિ છે. જેમાં આઈટી એક્ટની કલમ 69(એ) હેઠળ વિભિન્ન મંત્રાલય અને રાજ્ય સરકારનાં નોડલ અધિકારી આવી કોઈપણ સામગ્રીને બ્લોક કરવાનો આદેશ જારી કરી શકે છે. બીજી પદ્ધતિ કલમ 70(3)(બી)ની જોગવાઈ અંતર્ગત આવે છે. જેમાં કેટલાક મંત્રાલય ગૃહ મંત્રાલયનાં સહયોગથી  નિર્દેશ જારી કરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક