• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

પિરિયડ લીવ ઉપકાર નહીં, મહિલાઓનો હક : કર્ણાટક હાઈ કોર્ટ

રાજ્યમાં સરકારની પિરિયડ લીવની નીતિ જમીની સ્તરે લાગુ થઈ ન હોવાથી હાઈ કોર્ટની ટિપ્પણી

 

નવી દિલ્હી, તા. 16 : પિરિયડ લીવને લઈને દેશભરમાં ચાલી રહેલી દલીલો વચ્ચે કર્ણાટક હાઈ કોર્ટ દ્વારા અમુક મહત્ત્વની ટિપ્પણી કરવામાં આવી હતી. હાઈ કોર્ટે કહ્યું હતું કે પિરિયડ લીવ મહિલાઓનો અધિકાર છે અને તેને કોઈ વિશેષાધિકારના રૂપમાં પરિભાષિત કરવો જોઈએ નહીં. આ દરમિયાન ઉચ્ચ ન્યાયાલયે એક મહત્ત્વનો આદેશ આપતા સરકારને રાજ્યમાં પહેલાથી લાગુ પિરિયડ લીવ પોલિસીને અન્ય ક્ષેત્રમાં પણ લાગુ કરવા કહ્યું હતું.

કર્ણાટક સરકાર ડિસેમ્બર 2025મા નીતિ લઈને આવી હતી, જેના હેઠળ 18થી 52 વર્ષની મહિલાઓને દર મહિને એક દિવસ પેડ લીવ મળવાની સુવિધાની જોગવાઈ હતી. જો કે હાઈ કોર્ટે નોંધ્યું હતું કે ઘણી જગ્યાએ  નીતિનું પાલન કરવામાં આવતું નહોતું. હાઈ કોર્ટે આ મામલે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, માસિક ધર્મ અવકાશની નીતિ માત્ર કાગળો ઉપર જ સીમિત ન રહે. તેને દરેક જગ્યાએ યોગ્ય રીતે લાગુ કરવામાં આવે. રિપોર્ટ અનુસાર એક મહિલા કર્મચારી દ્વારા લીવ મામલે અરજી દાખલ કરવામાં આવી હતી. મહિલા અનુસાર તે એક હોટલમાં કામ કરે છે અને કામ દરમિયાન શારીરિક મહેનત કરવી પડશે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સરકારે જે પિરિયડ લીવની નીતિ બનાવીને છે તે જમીની સ્તરે લાગુ થઈ રહી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક