• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

ઘર કંકાસથી કંટાળીને માતાએ 4 સંતાન સાથે કૂવામાં ઝંપલાવ્યું, 3 માસૂમના મૃત્યુ

માતા-પુત્રીનો આબાદ બચાવ : પોલીસે બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી

 

વડોદરા, તા.16: દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવેલા વડભેટ ગામમાં સામૂહિક આપઘાતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘરેલુ કંકાસ અને કૌટુંબિક કારણોસર માતાએ પોતાના 4 માસૂમ સાથે કૂવામાં પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ સામૂહિક આપઘાતમાં ત્રણ બાળકના કરુણ મૃત્યુ થયા છે જ્યારે માતા અને એક પુત્રીનો બચાવ થયો છે.

મળતી વિગતો મુજબ, દેવગઢ બારિયા તાલુકાના, વડભેટ ગામે રહેતા ચંપાબેન રાઠવા નામની મહિલાએ કૌટુંબિક વિખવાદ અને કંકાસને લીધે ચાર સંતાન સાથે ગામની સીમમાં આવેલા કૂવામાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાની જાણ થતાં

જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તમામને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, કૂવામાંથી બહાર કાઢતા 3 બાળકના મૃત્યુ થયા હતા. આ કરુણ ઘટનામાં 5 વર્ષનો પુત્ર ગિરિરાજ, 12 વર્ષીય પુત્રી પ્રિયંકા અને 2 વર્ષનો માસૂમ બાળક રાજવીરનું મૃત્યુ થયું છે. એક સાથે 3 સંતાનના કરુણ મૃત્યુથી પરિવાર અને પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે જ્યારે બીજી તરફ માતા ચંપાબેન અને એક પુત્રી સવિતાનો જીવ બચી જતા બન્નેને તાત્કાલિક દેવગઢબારિયાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે, જ્યાં હાલ બન્ને સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ દેવગઢબારિયા પોલીસનો કાફલો ઘટના સ્થળ અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક