• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

‘િબનહરીફ’ની બોલબોલા : ગુજરાતની રાજનીતિની નવી પરંપરા

અનેક બેઠકો ઉપર ફોર્મ પરત ખેંચાયા, ચૂંટણી વગર જ કોર્પોરેટર કે કાઉન્સિલર પદ

 

રાજકોટ, તા. 16  (ફૂલછાબ ન્યૂઝ) : ગુજરાતમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી આડે દસ દિવસ બાકી રહ્યા છે. સામાન્ય રીતે અત્યારે ચૂંટણી પ્રચાર અને રાજકીય પક્ષોના દાવા-પ્રતિદાવાના સમાચારો હોય. મોટા નેતાઓની સભા અને સ્થાનિક નેતાઓનો લોકસંપર્ક હોય તેને બદલે બેઠકો બિનહરીફ થવાનો ચીલો થયો છે. અગાઉ સમરસ ગ્રામ પંચાયત થતી હવે નગરપાલિકાઓ પણ સમરસ કરવા તરફની ગતિ છે. લોકશાહી પરંપરા, ચૂંટણી પ્રક્રિયા સામે આ પ્રશ્નાર્થ છે. ચૂંટણીમાં કાવાદાવા થાય, સામસામે આક્ષેપો થાય તે તો જૂની વાત છે પરંતુ ચૂંટણી જ ન થાય તે કેવું? આ સવાલ અત્યારે ગુજરાતમાં છે.

ચૂંટણીઓ માટે ફોર્મ પરત ખેંચવાની મુદત ગઈકાલે તા. 15મી એપ્રિલે પૂર્ણ થઈ ગઈ. રાજ્યમાં અનેક સ્થળે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાના બનાવ બન્યા. કોંગ્રેસમાં તો કાર્યકરોએ પણ આવા ઉમેદવારોનો વિરોધ કર્યો. પોરબંદર નવી મહાનગરપાલિકા છે, આ તેની પ્રથમ ચૂંટણી છે. ત્યાં 11 બેઠકો બિનહરીફ થઈ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 3 બેઠક બિનહરીફ થઈ છે. જોડિયા તાલુકા પંચાયતની એક બેઠક ઉપર પણ આવી સ્થિતિ થઈ છે. વડોદરામાં આવું થયું હોવાથી મોટા પાયે હોબાળો મચ્યો.

રાજ્યમાં ઠેર ઠેર આવું થયું છે. ગુજરાતમાં રાજકીય બળવા થયા, પક્ષના ભાગલા પડયા અને મુખ્યમંત્રીઓ

પણ બદલાયા. રાજનીતિમાં આવું તો થતું હોય. કોઈ વિશ્વાસનો મત લેવાના સમયે ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવે આ ઘટનાક્રમ બન્યા છે પરંતુ ચૂંટણી પહેલાં ઉમેદવારોને પણ સલામત સ્થળે ખસેડવા પડયા હોય તેવું ક્યારેય બન્યું નથી. આ વખતે એ પણ શરૂ થયું છે. ધાક-ધમકી, લાખો રૂપિયાના પ્રલોભનો અપાતાં હોવાની વાત પણ બધે જ ચર્ચાય છે.

નગરપાલિકા કે મહાનગરપાલિકામાં વિપક્ષી સદસ્યો હોય જ નહીં તે નહીંવત્ હોય તેનું નુકસાન આજે નહીં તો લાંબાગાળે પ્રજાને છે. ચૂંટણી થયા પછી લોકો કોઈ એક જ પક્ષને ચૂંટે તે સમજી શકાય. ચૂંટણી જ ન થાય તે કેમ ચાલે? બધા રાજકીય પક્ષોએ આ બાબતે પરિપક્વ વિચાર કરવા જેવો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક