મુંબઇ, તા.16: મુંબઇ ક્રિકેટ એસોસિયેશન (એમસીએ) ઘરેલુ ક્રિકેટમાં કોન્ટ્રાકટ સિસ્ટમ શરૂ કરનાર પહેલુ રાજય ક્રિકેટ સંઘ બન્યુ છે. ખેલાડીઓનો આ વાર્ષિક કરાર તેના પ્રદર્શન, ફિટનેસ અને પસંદગી સમિતિની ભલામણ આધારિત હશે. મુંબઇ ક્રિકેટ ઓસોસિયેશન તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર ખેલાડીઓને ત્રણ ગ્રુપમાં રાખવામાં આવશે. જેમાં ગ્રુપ-એમાં સામેલ ક્રિકેટરને પ્રતિ વર્ષ 12થી 20 લાખ મળશે. ગ્રેડ-બીના ખેલાડીઓને પ્રતિ વર્ષ 8થી 12 લાખ અને ગ્રેડ-સીના ખેલાડીને 8 લાખ પ્રતિ વર્ષ મળશે. આ સિવાય બીસીસીઆઇના ધારાધોરણ અનુસાર મેચ ફી, દૈનિક ભથ્થા અને પ્રદર્શન આધારિત પ્રોત્સાહન આપવામાં આવશે. એમસીએના અધ્યક્ષ અજિંકયા નાઇકે જણાવ્યું છે કે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ ક્રિકેટ સંઘે નવા કરાર આધારિત માળખાની શરૂઆત કરી છે. જેથી ડોમેસ્ટિક ક્રિકેટને પ્રોત્સાહન મળશે. એમસીએ તરફથી એ સ્પષ્ટતા થઇ નથી કે મહિલા ક્રિકેટમાં આ સિસ્ટમ લાગુ થશે કે નહીં.