• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

વડિયા: રીલ બનાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા ખેતમજૂરે વાડી માલિકની હત્યા કરી

ટ્રેક્ટર બેફામ ચલાવવા બાબતે ઠપકો આપતા શ્રમિકે જીવલેણ હુમલો કર્યો

અમરેલી, તા.23:વડિયા તાલુકાના બરવાળા બાવીશી ગામે ખેતર ખેડતી વખતે બેફામ ટ્રેક્ટર ચલાવવા અને મોબાઈલમાં રીલ બનાવવા બાબતે વાડી માલિકે ખેતમજૂરને ઠપકો આપ્યો હતો. આ સામાન્ય બાબતનું મનદુ:ખ રાખી પરપ્રાંતિય ખેતમજૂરે હિંસક રૂપ ધારણ કર્યું હતું. વાડી માલિક જ્યારે રાત્રિના સમયે મોટર સાઇકલ લઈને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે મજૂરે પાછળથી આવી લોખંડના પાઈપ અને પથ્થર વડે તેમના માથા તથા મોઢાના ભાગે ઘાતકી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે આરોપી તેનું બાઈક લૂંટીને ફરાર થઈ ગયો હતો. 

     આ ચકચારી બનાવ અંગે મૃતક કર્ણદેવ વાળાના પિતા અશોકભાઈ વાળાએ વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મૂળ મધ્યપ્રદેશનો આરોપી રવી જેમાભાઈ કરોલિયા ટ્રેક્ટર કુદાવીને જોખમી રીતે ચલાવતો હોવાથી તેને ટોકવામાં આવ્યો હતો. આરોપીએ યુવકને રસ્તામાં આંતરી હત્યા કરી અને 20 હજારની કિંમતનું બાઈક લઈને નાસી છૂટયો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક