એમવી ગોલ્ડન આર્સેનલ જહાજને બચાવવા નેવીનું
ઓપરેશન : અન્ય બનાવમાં ગોળીબારનો ભોગ બનેલું સેનમાર હેરાલ્ડ જહાજ સુરક્ષિત ઓરિસ્સા
પહોંચ્યું
નવી
દિલ્હી, તા. 2 : ભારતીય નૌકાદળે ફરી એક વખત સમુદ્રમાં શક્તિનું ઉદાહરણ આપતા એક મોટી
સમુદ્રી ડકૈતીના પ્રયાસને નાકામ કરી દીધો હતો. એડનની ખાડીમાં ભારતીય યુદ્ધ જહાજ આઇએનએસ
ત્રિકંડે સૂઝબૂઝ અને સ્ફૂર્તિ બતાવતા એક માલવાહક જહાજને સમુદ્રી લુટારુઓથી સુરક્ષિત
રીતે બચાવી લીધું હતું. આ દરમિયાન માર્કોસ કમાન્ડરને જોઈને લુટારુઓ નાસી છૂટયા હતા.
સૂત્રો
અનુસાર જે જહાજ ઉપર સમુદ્રી લુટારુઓએ હુમલો કર્યો તેનું નામ એમવી ગોલ્ડન આર્સેનલ છે.
જહાજ ઉપર ભારત માટે ખૂબ જ જરૂરી અને મહત્ત્વપૂર્ણ સામાન લદાયેલો હતો તેમજ ક્રૂમાં એક
ભારતીય નાગરીક પણ હતો. આ દરમિયાન ક્રૂ દ્વારા પણ સમજદારી બતાવવામાં આવી હતી. સમુદ્રી
લુટારુઓએ જેવો જહાજ ઉપર કબજો કરવાની કોશિશ કરી, તમામ ક્રૂ સુરક્ષા માટે એક રૂમમાં બંધ
થઈ ગયા હતા. બાદમાં રેડિયો કોમ્યુનિકેશન ચેનલનાં માધ્યમથી ભારતીય નૌકાદળને હુમલાની
જાણકારી આપી અને મદદ માગી હતી.
ઈરાકથી
લગભગ 20 લાખ બેરલ ક્રૂડ લઈને ભારત આવી રહેલા એક જહાજ ઉપર ગોળીબારનો સનસનીખેજ મામલો
સામે આવ્યો છે. ‘એમટી સેનમાર હેરાલ્ડ’ નામનું ઓઇલ ટેન્કર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાની
જળક્ષેત્ર પાસે હુમલાની ચપેટમાં આવ્યું હતું. જો કે ચાલક દળની ચતુરાઈથી જહાજ સુરક્ષિત
રીતે ઓરિસ્સાના પારાદીપ પોર્ટે પહોંચી ગયું છે.