• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

ભારતીય અર્થતંત્રની રફ્તાર બરકરાર

જીડીપી વૃદ્ધિદર 7.35 ટકા રહેવાનું અનુમાન : મોંઘવારીનું દબાણ પણ યથાવત્

નવીદિલ્હી,તા.29: ભારતીય અર્થતંત્રની ગતિ યથાવત્ જળવાઈ રહી છે. નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં દેશનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિદર 7.35 ટકા રહેવાનો અંદાજ છે. જોકે, આ દરમિયાન મોંઘવારી વધતાં સામાન્ય લોકોની ચિંતામાં પણ વધારો થયો છે. સપ્ટેમ્બરમાં છૂટક મોંઘવારી વધીને 5.54 ટકા થઈ ગઈ, જ્યારે અૉગસ્ટમાં તે 4.83 ટકા હતી. ખાદ્ય મોંઘવારી પણ વધીને 7.74 ટકા પર પહોંચી ગઈ. બીજી તરફ, ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ, જીએસટી વસૂલાત અને બેંક ધિરાણમાં વૃદ્ધિ થવાથી અર્થતંત્રને ટેકો મળી રહ્યો છે.

અૉક્ટોબર 2026ના માસિક આર્થિક સમીક્ષા અહેવાલ અનુસાર, નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિદર 7.35 ટકા રહી શકે છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ દર 7.8 ટકા હતો એટલે કે, આર્થિક વિકાસની ગતિ થોડી ધીમી થવા છતાં મજબૂત રહી છે.

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)એ સમગ્ર નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વિકાસનો અંદાજ વધારીને 7 ટકા કર્યો છે. જ્યારે વિશ્વ બેંક, આર્થિક સહકાર અને વિકાસ સંગઠન (ઓઈસીડી) તથા ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ 7.1 ટકાના વૃદ્ધિદરનો અંદાજ વ્યક્ત કર્યો છે.

આર્થિક વિકાસની વચ્ચે મોંઘવારીનું દબાણ વધ્યું છે. સપ્ટેમ્બર 2026માં છૂટક મોંઘવારીનો દર વધીને 5.54 ટકા થયો હતો, જે અૉગસ્ટમાં 4.83 ટકા હતો. ખાદ્ય મોંઘવારી પણ વધીને 7.74 ટકા પર પહોંચી હતી. ડુંગળી, ખાંડ, ખાદ્ય તેલ અને ચોખાના ભાવમાં થયેલા વધારાને તેની મુખ્ય કારણોમાં ગણાવવામાં આવ્યા છે.

મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો હતો અને નાણાકીય નીતિના અભિગમને તટસ્થ સ્થિતિમાંથી ધીમે ધીમે કડકાઈ તરફ વાળ્યો હતો. રેપો રેટમાં વધારાથી લોનના વ્યાજદરો પર પણ અસર પડી શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક