માર્ગો પર લોકો ઢોલ-નગારા સાથે ઝુમ્યા : મહિલાઓએ ‘મેરે ઘર રામ આએ હૈ’ ગાયું
નવી દિલ્હી, તા. 29 : દુનિયાભરમાં
દિવાળીનો તહેવાર ધામધૂમથી ઊજવાય છે. આ દિવાળીએ આવનારી નીતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’નો
જાદૂ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનના હિન્દુઓમાં પણ જોવા મળે છે. પાકિસ્તાન
સ્થિત હિન્દુઓ આ ફિલ્મ જોવા ઉત્સુક છે અને તે રિલીઝ થવાની રાહ જોઇ રહ્યા છે. કરાચીના
માર્ગો પર આ ફિલ્મનાં પોસ્ટર લઇને લોકો ‘જય શ્રીરામ’ના નારા લગાવીને ફિલ્મ સુપરહિટ
જાય તેવી કામના કરે છે. ત્યાંના ઐતિહાસિક મંદિરમાં જઇને લોકોએ પોસ્ટર પણ ચોંટાડયાં
હતાં. એક વીડિયોમાં દેખાયું હતું કે, ઢોલ-નગારા સાથે લોકો ‘જય શ્રીરામ’ના નારા સાથે
ઝૂમી રહ્યા છે. કેટલીક મહિલાઓએ ‘મેરે ઘર રામ આએ હૈં’ ગીત ગાતી જોવા મળી હતી. એક મહિલાએ
રણબીર કપૂર તેમના ફેવરિટ હોવાનું અને તેમના પર ભગવાન રામની કૃપા વરસતી રહે તેવી ભાવના
વ્યક્ત કરી હતી. વીડિયો બનાવનારે ફિલ્મની આખી ટીમને શુભકામના પાઠવતાં કહ્યું હતું કે,
આ ફિલ્મ ફક્ત સુપરહિટ ન બને, પરંતુ ઓસ્કાર પણ જીતે. એક વ્યક્તિએ કહ્યું હતું કે, પાકિસ્તાનથી
આ ફિલ્મને ખૂબ શુભકામનાઓ, જય શ્રીરામ. વીડિયોમાં કરાચી શહેર દેખાડવા સાથે લોકો મંદિરમાં
જઇને પોસ્ટર લગાવે છે તે દર્શાવાયું છે. મંદિરના પૂજારીએ કહ્યું હતું કે, આ દિવાળીએ
‘રામાયણ’ ફિલ્મ આવી રહી છે તેને આપણે બધા નિહાળીશું અને અમલ કરશું. મેં પહેલાં પણ કહ્યું
હતું કે, આ જાતની રામાયણ બની શકે નહીં. પાકિસ્તાની હિન્દુઓ તરફથી રણબીર કપૂર સહિત આખી
ટીમને શુભકામનાઓ.