• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

ફટાકડા પર પૂર્ણ રોકના પક્ષમાં નથી સુપ્રીમ કોર્ટ

અદાલતે કહ્યું, વિવેકપૂર્ણ નિયમન જરૂરી; જાગૃતિ માટે વિરાટ જેવી હસ્તીઓ સામેલ કરો

નવી દિલ્હી, તા. 29 : દિલ્હીમાં વકરતાં પ્રદૂષણ વચ્ચે એક ધ્યાન ખેંચનારા નિર્દેશમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, ફટાકડા પર પૂર્ણ પ્રતિબંધના પક્ષમાં નથી. બીજીતરફ આદેશનું ઉલ્લંઘન કરીને માત્ર ‘મજાક’ બનાવી દેવાના અધિકારીઓનાં વલણ સામે સુપ્રીમે લાલઆંખ પણ કરી હતી.

સાથોસાથ એક સૂચન કરતાં અદાલતે કહ્યું હતું કે, ફટાકડા ફોડવા સામે જાગૃતિ લાવવા માટે વિરાટ કોહલી જેવી હસ્તીઓને પણ સામેલ કરવી જોઇએ. તહેવારો પર લોકોના ઉત્સાહને અવરોધ નથી કરવા માગતા. આજની નવી પેઢી પહેલાંથી ફટાકડાઓ માટે જાગૃત છે.

જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને પી. બી. વહાલેની ખંડપીઠે કહ્યું હતું કે, વારંવાર નિયમોનું ઉલ્લંઘન થતાં અદાલતી આદેશો માત્ર મજાક બનીને રહી જાય છે.

સુપ્રીમે ફટાકડાઓનાં વિવેકપૂર્ણ નિયમનનો આદેશ આપ્યો હતો. ફટાકડા અંગે નિર્દેશોને લાગુ નહીં કરવા બદલ કોર્ટે દિલ્હી સરકાર અને વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગને ફટકાર લગાવી હતી.

અલબત્ત, પૂર્ણ પ્રતિબંધ મૂકવાના પક્ષમાં કોર્ટ નથી, પરંતુ બેફામ ફટાકડા ફોડવાથી તો વાયુ પ્રદૂષણ પણ વધશે, તેવું સુપ્રીમે કહ્યું હતું.

દરમ્યાન, ન્યાયમિત્રએ જણાવ્યું હતું કે, વધુ પડતા ફટાકડા ફોડાતાં ફેફસાં સહિત માનવ આરોગ્યને ગંભીર નુકસાનનું જોખમ છે.

ઇ-પેપરના નવા શુલ્ક