• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

વન ડેમાં શાહિન અફ્રિદી ફરી નંબર વન બોલર

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની શ્રેણીનાં સારા પ્રદર્શનનું ઈનામ

દુબઈ, તા.13: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની વન ડે સિરીઝના શાનદાર દેખાવનું પાકિસ્તાનના ઝડપી બોલર શાહિન શાહ અફ્રિદીને ઇનામ મળ્યું છે. તે આઇસીસી વન ડે ક્રમાંકમાં ફરીવાર નંબર વન બોલર બન્યો છે જ્યારે નબળા દેખાવ છતાં બાબર આઝમ વન ડે બેટિંગ ક્રમાંકમાં ટોચ પર ટકી રહ્યો છે. અફ્રિદીએ ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની વન ડે શ્રેણીમાં 12.62ની સરેરાશથી 8 વિકેટ લીધી હતી. તે પોતાની કેરિયરમાં બીજીવાર ટોચનો વન ડે બોલર બન્યો છે. આ પહેલાં તે વન ડે વર્લ્ડ કપ-2023 દરમિયાન થોડા દિવસ માટે નંબર વન બોલર બન્યો હતો.

વન ડે બોલિંગ ક્રમાંકમાં અફ્રિદી પછી અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન બીજા અને દ. આફ્રિકાનો સ્પિનર કેશવ મહારાજ ત્રીજા સ્થાને છે. ઓસિ. સામેની શ્રેણીમાં 10 વિકેટ લેનાર હારિસ રઉફ 14 સ્થાનની છલાંગ લગાવી 13મા નંબર પર આવી ગયો છે. નસીમ શાહ પપમા ક્રમે છે.

વન ડે બેટિંગ ક્રમાંકમાં બાબર આઝમ પછી ભારતીય ત્રિપુટી રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી છે.

ટી-20 બેટિંગ ક્રમાંકમાં દ. આફ્રિકા સામે સદી કરનાર સંજુ સેમસન 27 સ્થાનની છલાંગ લગાવી 39મા ક્રમે આવી ગયો છે. વેસ્ટ ઇન્ડિઝ સામે સદી કરનાર ઇંગ્લેન્ડનો ફિલ સોલ્ટ ભારતીય કપ્તાન સૂર્યકુમાર પછી બીજા નંબર પર છે.

ઇ-પેપરના નવા શુલ્ક