• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

ગિરનાર પરિક્રમા મધ્યાહ્ને માળવેલા અને બોરદેવીમાં માનવ મહેરામણ : મઢી ખાલીખમ

-           છ લાખ ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી : ત્રણ લાખે કરી પૂર્ણ

-           પ્લાસ્ટિકમુક્ત પરિક્રમાનો અભિગમ સાર્થક : યાત્રિકો સાથે કલેક્ટરનો સંવાદ

જૂનાગઢ, તા.13 : ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો ગત રાત્રે વિધિવત્ પ્રારંભ સાથે જ મધ્યાહને પહોંચી છે. માળવેલા અને બોરદેવીમાં માનવ દરિયો છલકાયો છે જ્યારે જીણા બાવાની મઢીએ ગણ્યા ગાંઠાયા ભાવિકો જ રહેતા ખાલી ખમ જેવી બની છે. જ્યારે છ  લાખ ભાવિકોએ સાંજ સુધીમાં નળપાણીની ઘોડી વટાવી છે, તો ત્રણ લાખ ભાવિકોએ પુણ્યનું ભાથું બાંધી પરિક્રમા પૂર્ણ કરી છે. આ ચિત્ર જોતા પરિક્રમાર્થીઓનો આંક આઠ લાખ આસપાસ રહે તેમ જણાય છે.

લીલી પરિક્રમામાં ઉતાવળી પટ ભાવિકોની તળેટીમાં ભીડ જામતા, તંત્ર દ્વારા વિધિવત પ્રારંભ પૂર્વે 42 કલાક અગાઉ પરિક્રમાનો પ્રવેશદ્વાર ખોલતા, તળેટીમાં ઉમટેલા તથા પરિક્રમા કરવા આવનારીઓએ વહેલી પરિક્રમા આરંભી દીધી હતી. પરિણામે ગઇકાલે રાત્રે વિધિવત્ પ્રારંભની ઔપચારિકતા કરવામાં આવી હતી અને વિધિવત્ પરિક્રમા કરનારા ભાવિકોએ પરિક્રમા શરૂ કરી હતી.

પરિક્રમાનો પ્રથમ પડાવ જીણા બાવાની મઢી છે ત્યાં ભાવિકો પ્રથમ રાત્રી રોકાણ કરે છે પણ ભાવિકોએ પગ ઉપાડયો હોય તેમ મઢીમાં માત્ર બે હજાર જેટલા જ ભાવિકો રાત્રી રોકાણ માટે પડાવ કર્યો છે. બાકીના બીજા પડાવ માળવેલામાં પહોંચ્યા છે. માળવેલામાં ભાવિકોનો બીજો પડાવ હોય તેના બદલે પ્રથમ પડાવ માટે મન મનાવતા, માળવેલામાં દોઢથી બે લાખ ભાવિકોથી માનવ દરિયો ઘૂઘવ્યો છે. હરિહરની હાકલ વચ્ચે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે. આ ભાવિકો આવતી કાલ નળપાણીની ઘોડી વટાવી બોરદેવી પહોંચશે જ્યારે સાંજ સુધીમાં છ લાખ ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી ચૂકયા છે. તે પૈકીના ત્રણ લાખ ભાવિકો તો પુણ્યનું ભાથું બાંધી જંગલ બહાર નીકળી ગયા છે અને ત્રણેક લાખ યાત્રિકો બોરદેવીમાં પડાવ કરતા જંગલમાં મંગલ સર્જાયો છે. આ સ્થળે હકડેઠઠ ભીડ નજરે પડી રહી છે.

પરિક્રમાના વિધિવત્ પ્રારંભના બીજા દિવસે એટલે કે આવતી કાલે જીણા બાવાની મઢી અને માળવેલા ખાલીખમ થઈ જશે. બોરદેવીમાં રાતવાસો કરનારાઓ આવતી કાલ બહાર આવી જશે આ જોતા પરિક્રમાસ  એક દિવસ વહેલી શરૂ થઈ તેમ એક દિવસ વહેલી પૂર્ણ થાય તેવા સંજોગો નજરે પડે છે અને દર વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવિકોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો નિશ્ચિત બન્યો છે.

ગિરનાર પરિક્રમાને પ્લાસ્ટિક મુકત બનાવવાના તંત્રના અભિગમને મહદ્અંશે સફળતા મળી હોય તેમ અત્યાર સુધીમાં 7 ટનથી વધુ પ્લાસ્ટિક જંગલમાં પ્રવેશતા અટકાવાયું છે. સાથે યાત્રિકો માટે પીવાનાં પાણી, આરોગ્ય, સુરક્ષા સહિતની વ્યવસ્થા નિહાળવા જિલ્લા કલેક્ટર પરિક્રમા રૂટ ઉપર પહોંચી નિરીક્ષણ કર્યા બાદ, યાત્રિકો સાથે સંવાદ કરતા યાત્રિકોએ સુવિધા અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો. લીલી પરિક્રમાનો ગત મધરાતે વિધિવત્ પ્રારંભ થયા બાદ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયા પ્રાંત અધિકારી સહિતના સાથે પરિક્રમા રૂટ ઉપર પહોંચી પીવાના પાણી, હંગામી દવાખાના તથા પ્રથમ વખત નળપાણીની ઘોડી, જૂની સીડી સહિતનાં સ્થળોએ જનરેટર દ્વારા લાઇટની સુવિધા સહિતની ચકાસણી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક