અમેરિકામાં
નિકાસ કરતાં એશિયાઈ દેશોની મુશ્કેલી વધશે
વોશિંગ્ટન,
તા.1ર : અમેરિકામાં ટ્રમ્પરાજની વાપસી સાથે જ ભારત, ચીન સહિત એશિયાઈ દેશોની ચિંતા વધી
છે. ટ્રમ્પનો નવો ટેરિફ પ્લાન એશિયાઈ નિકાસકાર દેશોને મોટાપાયે અસર કરશે. ચીનની હાલત
તો અમેરિકામાંથી બિસ્તરાં પોટલાં બાંધવા સમાન બની શકે છે.
એવી
પુરી સંભાવના છે કે વ્હાઈટ હાઉસમાં સત્તા સંભાળતા જ ટ્રમ્પ આક્રમક રીતે ટેરિફ પ્લાન
લાગૂ કરશે. ટ્રમ્પ ટેરિફ વધારવા ઈચ્છુક છે અને ચીન પર 100 ટકા સુધી ટેરિફ શુલ્ક લાદી
શકે છે. જો આવુ થયું તો અમેરિકાનો ચીન સાથેનો કારોબાર મોટેભાગે બંધ થઈ જશે. ચીનની અનેક
કંપનીઓ અમેરિકામાંથી ઉચાળા ભરી શકે છે. ટ્રમ્પે એશિયાના ભારત સહિત અન્ય દેશો માટે પણ
ટેરિફ વધારાની ચિંતા ઉભી કરી છે. ભારત અમેરિકામાં ડાયમંડ, મેડિકલ ઉપકરણો, જવેલરી, કૃષિ
સામગ્રી, ચોખા, કપડાં સહિત અનેક ચીજોની નિકાસ કરે છે. ટેરિફ વધશે તો ભારતની નિકાસ મોંઘી
થશે. ભારતીય કંપનીઓ અને અર્થતંત્રને આની મોટી અસર થઈ શકે છે.
દુનિયાના
દેશો વચ્ચે પોતપોતાના સામાનનું એકબીજાને ખરીદ-વેચાણ કરવામાં આવે છે. જયારે કોઈ દેશની
કંપની બીજા દેશમાં પોતાનો સામાન વેંચે છે તો જે તે દેશની સરકાર તેના પર ટેરિફ શુલ્ક
વસૂલે છે. જેને આયાત ટેકસ કહી શકાય. આ ટેકસ ચૂકવવાની જવાબદારીએ કંપનીની હોય છે જે માલ
વેંચે છે. કોઈ દેશ ટેરિફ શુલ્ક વધારે તો એ
દેશમાં કંપનીના સામાનનો ભાવ વધી જાય છે જેથી ખરીદીને અસર થાય છે તેનું ઉત્પાદન ઘટે
અને કંપની ભીંસમાં આવે. ટ્રમ્પની નવી નીતિથી આવી સ્થિતિ ઉભી થઈ શકે છે.