• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

કેન્દ્રએ રાતોરાત મણિપુર મોકલ્યા વધુ 2000 જવાન

30 નવેમ્બર સુધી તૈનાત રહેશે CAPFની વધુ 20 કંપની

નવી દિલ્હી, તા. 13 : કેન્દ્ર સરકારે મણિપુરમાં ફરી હિંસાની ઘટનાઓ અને કાયદો વ્યવસ્થા સંબંધિત મુદ્દાને ધ્યાને લઈને સીએપીએફની 20 વધુ કંપનીઓને તત્કાળ મણિપુર મોકલી છે. જેમાં અંદાજીત 2000 જવાન સામેલ છે. સત્તાવાર સુત્રો દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. સૂત્રો અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે રાત્રે જવાનોને તત્કાળ હવાઈ માર્ગે મોકલવા અને તૈનાત કરવાનો આદેશ જારી કર્યો હતો. મણિપુરના જીરીબામમાં સુરક્ષા દળોએ હમાર સમુદાયના સંદિગ્ધ ઉગ્રવાદીઓને ઠાર કર્યા હતા ત્યારબાદ વિસ્તારમાંથી ત્રણ બાળક સહિત મેતૈઈ સમુદાયના છ લોકો હજી પણ લાપતા છે.

12 નવેમ્બરના જારી એક આદેશમાં ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે 30 નવેમ્બર સુધી સીએપીએફની 20 કંપની તૈનાત રહેશે. જેમાં 12 સીઆરપીએફ અને પાંચ સીમા સુરક્ષા દળની કંપની સામેલ છે. આદેશમાં કહેવાયું છે કે સીએપીએફની વધુ 20 કંપનીની તૈનાતી સાથે હવે સીએપીએફની કુલ 218 કંપની, સીઆરપીએફની 115, આરએએફની 8, બીએસએફની 84, એસએસબીની છ અને આઈટીબીપીની પાંચ કંપની 30 નવેમ્બર સુધી મણિપુરમાં તૈનાત રહેશે. કેન્દ્રએ પોતાના આદેશમાં મણિપુર સરકાર સંબંધિત સીએપીએફ સાથે પરામર્શ કરીને વિસ્તૃત તૈનાતીની યોજના તૈયાર કરવા કહ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક