પંજાબના 10.1 ઓવરમાં 1 વિકેટે 122 રન થયા હતા ત્યાર પછીથી મેચ બંધ
ધર્મશાલા
તા.8: પઠાણકોટ વિસ્તારમાં પાકિસ્તાનના સતત
હુમલા પછી ધર્મશાલા ખાતે રમાઇ રહેલો પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેનો આઇપીએલ
મેચ રોકી દેવામાં આવ્યો હતો અને બાદમાં રદ કરાયો હતો. ધર્મશાલા સ્ટેડિયમમાં બ્લેકઆઉટ
કરી દેવામાં આવ્યો હતો. આયોજકોએ શાંતિથી સ્ટેડિયમમાંથી નીકળી જવાની દર્શકોને સૂચના
આપી હતી. જયારે બન્ને ટીમના ખેલાડીઓ અને અધિકારીઓને
સુરક્ષા બંદોબસ્ત સાથે સલમાત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન દર્શકોએ સ્ટેડિયમમાં
જ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. આ દરમિયાન ભારતીય સેનાએ પઠાણકોટ વિસ્તારના
પાકિસ્તાનના તમામ મિસાઇલ એટેક તોડી પાડયા હતા.
આઇપીએલનો
આ મેચ પ્લેઓફ માટે બન્ને ટીમ માટે મહત્વનો હતો. જે સલમાતી ખાતર રદ કરાયો હતો. આથી બન્ને
ટીમને 1-1 પોઇન્ટ મળ્યા હતા. પંજાબ કિંગ્સના 10.1 ઓવરમાં 1 વિકેટે 122 રન થયા હતા ત્યારે
ફલડ લાઇટમાં ખામી હોવાનું જણાવી મેચ અટકાવી દેવામાં આવ્યો હતો. બાદ મેચ રદ જાહેર થયો
હતો. પંજાબ તરફથી પ્રિયાંશ આર્ય 34 દડામાં પ ચોક્કા-6 છક્કાથી 70 રને આઉટ થયો હતો અને
પ્રભસિમરન સિંઘ 28 દડામાં 7 ચોક્કાથી પ0 રને નોટઆઉટ રહ્યો હતો. અગાઉ વરસાદને લીધે મેચ
એક કલાક મોડો શરૂ થયો હતો.