• બુધવાર, 21 મે, 2025

જૂનાગઢ કેનેરા બેંક સાથે માતબર રકમની છેતરપિંડી : પાંચ શખસ સામે ફરિયાદ લોનધારક અને સપ્લાયરે નાણા મેળવી ઓર્ડર બદલ્યો

જૂનાગઢ, તા.8: જૂનાગઢની મહિલા સહિત પાંચ શખસોએ કેનેરા બેંકમાંથી પેકેજીંગ મશીનરી માટે પોણા બે કરોડની લોન મેળવી ક્વૉટેશન મુજબ મશીનરીનો ઓર્ડર રદ કરી ઓછી કિંમતના મશીન મંગાવી લોનના નાણા ખિસ્સામાં મૂકી બેંક સાથે છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

આ અંગેની વિગત પ્રમાણે જૂનાગઢનાં રોનક દિલીપભાઈ શેખડા તથા કાજલબેન પ્રફુલભાઈ શેખડાએ ભેસાણનાં પાટલા ખાતે પેકેજીંગ કારખાના માટે મશીનરીની લોન લેવા કેનેરાબેંક રાજકોટ શાખાનો સંપર્ક કરતા તેઓએ પ્રાથમિક પૂછપરછ બાદ, આ અંગેની કાર્યવાહી કરવા માટે જૂનાગઢ બ્રાંચ તરફ મોકલ્યા હતા. આ બન્નેએ બ્રાંચ મેનેજરને પ્લાસ્ટિક પેકેજીંગ શીટ બનાવવા બે મશીનો માટે લોનની વાત કરી હતી અને બ્રાંચ મેનેજરએ બેંકના રૂલ્સ રેગ્યુલેશનથી વાકેફ કર્યા હતા. બ્રાંચ મેનેજરએ આ લોન સામે શું મોર્ગેજ કરશો તેમ પૂછતા તેમણે પાટલા ખાતેની જમીન મોર્ગેજ કરવાનું જણાવ્યું હતું. બાદમાં સ્થળની તપાસ કરવામાં આવી હતી. આ જમીનના દસ્તાવેજ માંગતા આ જમીન મધુવન પ્લાસ્ટિક પેઢીના નામે છે. સંયુક્ત ભાગીદારોમાં છે અને ભાગીદારી છૂટી થઈ ગઈ છે. સાટાખત છે, દસ્તાવેજ બાકી છે અને તેની પ્રક્રિયા ચાલુ છે. લોન ધારક વાત ઉપર બેંક સતાવાળાઓએ વિશ્વાસ કરી, મશીનરીના ક્વૉટેશન માગતા નોબલ એજ ઈન્ડસ્ટ્રીઝનું ડબલ વાઈન્ડર સીંક ફિલ્મ બ્લોન નામની મશીનરીનું રૂ.1,85,30,507 તથા રીલાઈક એન્જીનિયરિંગ કંપનીનું મધરબેબી પ્લાસ્ટિક રિસાયકલર મશીનનું રૂ.49,97,967નું ક્વૉટેશન તથા કાગળો રજૂ કર્યા હતા. આ ક્વૉટેશન તથા જરૂરી કાગળો ઉપર રોનકભાઈ તથા કાજલબેનએ સહી કરી રાજકોટ બ્રાંચમાં રજૂ કર્યા હતા. તેના આધારે બેંકએ રૂ.1,95,00,000ની લોન સેક્શન કરી હતી. તેમાં પોણા બે કરોડની ટર્મ લોન તથા રૂ.ર0 લાખની સી.સી. મંજુર થતા બેંકએ મશીનરીના ઉત્પાદકોને ક્વૉટેશન મુજબ રકમ ચૂકવી હતી. બાદમાં લોન ધારકે ઉત્પાદક સાથે સાંઠગાંડ કરી, ક્વૉટેશન મુજબના મશીનને બદલે ઓછી કિંમતના મશીનોને ઓર્ડર આપ્યો હતો. બેંક સતાવાળાએાની તપાસમાં આ ગોલમાલ જણાતા, મશીનરી ઉત્પાદક તથા લોન ધારકને નોટીસ આપી ખુલાસો માગ્યો હતો તેથી બેંકએ મોર્ગેજ જમીન ઉપર કબ્જા માટે પ્રયાસ કરતા અગાઉના ભાગીદારે કોર્ટમાં પીટીશન કર્યાનું જણાયું હતું. આખરે જૂનાગઢ કેનેરા બેંકનાં બ્રાંચ મેનેજર દિવાકર નંદુલાલ કોઠારીએ જૂનાગઢ ‘બી’ ડિવિઝન પોલીસમાં રોકન દિલીપ શેખડા, કાજલબેન પ્રફુલ શેખડા, મહમદ રીયાઝ દોસ્ત મહમદ ખીરા, યાસીન ખીરા અને રવીભાઈ અરવિંદભાઈ વિરડીયા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક