જ-400 રશિયન એર ડિફેન્સ સિસ્ટમે શત્રુઓનો કારસો વિફળ બનાવ્યો
ભુજ,
તા. 8 : ભારતે પાકિસ્તાન સામે આદરેલાં હિંમતભર્યાં
અને સફળ ઓપરેશન સિંદૂરનો શંખનાદ છેક કચ્છ સરહદે સંભળાવા લાગ્યો છે. સોમવારે મોડીરાત્રે
ભારતે પાકિસ્તાનની અંદર ધમધમતા આતંકના અડ્ડા ફૂંકી માર્યાની બીજી રાત્રે વળતા હુમલાનો
કારસો વિફળ બનાવાયો. કાશ્મીરથી કચ્છ સુધીનાં
લશ્કરી મથકોને નિશાન બનાવવા હવાઈ હુમલાને ભારતે અતિઆધુનિક રશિયન એર ડિફેન્સ સિસ્ટમના
મારથી વિફળ બનાવ્યાની સફળતાને હવે ખાવડા નજીક આજે પરોઢે તોડી પડાયેલાં લશ્કરી આક્રમક
ડ્રોનના બનાવ સાથે સીધો સંબંધ હોવાની શક્યતા બિનસત્તાવાર રીતે વ્યક્ત થઈ રહી છે. વિસ્ફોટક ધરાવતાં આ ડ્રોનનાં નિશાને ભુજનાં લશ્કરી
મથક કે વાયુસેના મથક હોવાના નાપાક વ્યૂહની હવે શક્યતા પણ દૃઢ બની છે. ગુરુવારે પરોઢે
આ ઘટના બન્યાબાદ મોડી સાંજે ફરી કોટેશ્વર તરફ ડ્રોનનો હુમલો થયો હતો. જો કે ભારતીય
સેનાએ તે સફળ થવા દીધો ન હતો.
આજે
સવારે લગભગ ચાર વાગ્યાના અરસામાં પોલીસ સહિતનાં સલામતી દળોના સંદેશાવ્યવહારનાં સાધનો
અચાનક જ જાગૃત થઈ ગયાં હતાં. કચ્છીઓ આગલી રાતના બ્લેક આઉટની મોકડ્રીલની સફળતા બાદ નિશ્ચિંત
બનીને પોઢયા હતા, ત્યારે સલામતી દળોને મળેલો સંદેશો તેમનાં એલર્ટને દોડતા કરી મૂકે
તેવો હતો.
ખાવડાથી નજીક રણકાંધી પરનાં કોટડા ગામની સીમમાં એક
મોટું ડ્રોન તૂટી પડયાના આ સંદેશાને પગલે તમામ દળો અને એજન્સીઓ સાબદી બની ગઈ હતી. પોલીસે આ ડ્રોનને કબજે કરીને તેને તત્કાળ પહોંચેલી
વાયુદળના નિષ્ણાતોની ટીમને સોંપી દીધું હતું.
પ્રથમ
નજરે જ લશ્કરી ઉપયોગ માટેના હોવાનું જણાતું આ ડ્રોન મળ્યાના અહેવાલ વાયુવેગે દેશમાં
સર્વોચ્ચ સલામતી માળખાં સુધી પહોંચાડી દેવાયા. ત્યારે સ્થાનિકે પ્રથમ સવાલ એ હતો કે
આ ડ્રોન કોનું છે? આ સવાલનો જવાબ પણ તરત આવી ગયો કે તે ભારતનાં કોઈ દળ કે એજન્સીનું
તો નથી જ. આમ, તરત જ વાતની ગંભીરતા વધી ગઈ,
પણ સમયની સાથે નાપાક વ્યૂહને વિફળ બનાવાયાના અહેવાલો સામે આવતા ગયા અને રહસ્યનો તાળો
સામે આવી ગયો. આ પાકિસ્તાની ડ્રોનને વાયુદળે એસ - 400 પ્રકારની રશિયન એર ડિફેન્સ સિસ્ટમનાં
મિસાઈલની મદદથી તોડી પાડયું હોવાની શક્યતા હવે સ્થાનિકે વ્યક્ત થઈ રહી છે. આ ડ્રોનના બનાવ અંગે કોઈ ચોક્કસ સત્તાવાર વિગતો
જાહેર થઈ નથી, પણ રાષ્ટ્રીય સંદર્ભમાં આજે દિવસ દરમ્યાન સામે આવેલી વિગતોએ પાકિસ્તાન
દ્વારા પરોઢે ભુજ પર હુમલો કરવા માટે આ ડ્રોનને છોડયું હોઈ શકે અને સદ્નસીબે વાયુદળે
તેને આકાશમાં તોડી પાડયાની હકીકતનો હાલની તકે ઈન્કાર થઈ શકે તેમ નથી.