- કરાચી પર હુમલાના વળતા જવાબમાં ત્રણ ઠેકાણાં પર હુમલા કરતાં ટીટીપીના આતંકીઓ ઠાર
ઈસ્લામાબાદ,
તા. 29 : પાકિસ્તાને અફઘાનિસ્તાન સરહદ નજીક
આવેલા વિસ્તારોમાં આતંકીઓ વિરુદ્ધ સૌથી મોટી લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. કરાચીમાં
પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય પર થયેલા આતંકી હુમલાના બરાબર એક દિવસ બાદ પાકિસ્તાની
સેનાએ વળતો પ્રહાર કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે શરૂ કરાયેલાં આ ઓપરેશન અને હવાઈ
હુમલામાં અત્યાર સુધીમાં કુલ 35 આતંકી માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અહેવાલો
અનુસાર, શનિવારે પાકિસ્તાનના કરાચીમાં સ્થિત
પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય પર હથિયારો અને વિસ્ફોટકોથી સજ્જ આતંકીઓએ ઘૂસણખોરી કરીને
હુમલો કર્યો હતો, જેમાં પાકિસ્તાની સેનાના 3 સૈનિકો માર્યા ગયા હતા.
વળતી
કાર્યવાહીમાં 3 આતંકીઓ પણ ઠાર થયા હતા. સેનાએ એક આતંકીની ઈજાગ્રસ્ત હાલતમાં ધરપકડ કરી
છે, જે અફઘાન નાગરિક હોવાનું સામે આવ્યું છે. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન
(ટીટીપી) સાથે જોડાયેલા આતંકી સંગઠન જમાત-ઉલ-અહરર દ્વારા સ્વીકારવામાં આવી હતી.
પાકિસ્તાન
દ્વારા સરહદી વિસ્તારોમાં એક જ મહિનાની અંદર કરવામાં આવેલો આ ચોથો મોટો હુમલો છે. આ
અગાઉ ગત 10મી જૂનના પણ પાકિસ્તાની સેનાના આવા જ એક હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.
પાકિસ્તાને હવે અફઘાન સરહદે આતંકીઓના લોકેશન્સ શોધી-શોધીને તેને તોડી પાડવાનું અભિયાન
તેજ કર્યું છે.
પાકિસ્તાનના
માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરારએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ સૈન્ય કાર્યવાહીની
પુષ્ટિ કરતાં લખ્યું, ‘દેશભરમાં સુરક્ષા દળો પર તાજેતરમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી
હુમલાઓના જવાબમાં આ કડક ઓપરેશન શરૂ કરાયું છે. પાકિસ્તાન પોતાની રાષ્ટ્રીય સુરક્ષા
અને સરહદોની રક્ષા મામલે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરે. આતંકવાદીઓના સંપૂર્ણ સફાયા
સુધી આ સૈન્ય કાર્યવાહી અટકશે નહીં.’
આ હુમલા
બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે સરહદી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો
છે. પાકિસ્તાન સતત આક્ષેપ કરી રહ્યું છે કે, તહરીક - એ - તાલિબાનના આતંકીઓ અફઘાનિસ્તાનની
ધરતીનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં હુમલા કરી રહ્યા છે.